ખરાબ પરિણામ આત્મહત્યાનું કારણ શાથી? સારા ગ્રેડથી સફળતા મળવી નિશ્ચિત નથી

આનંદ પિલ્લાઈ Saturday 03rd December 2016 04:32 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂળની ૧૮ વર્ષીય પ્રતિભાશાળી હરપ્રીત કોર હાલાઈથે ૧૮ ઓગસ્ટના પરિણામોમાં એ- લેવલમાં નબળા પરિણામથી પસંદગીની યુનિવર્સિટી નહિ મળવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુની ઈન્ક્વેસ્ટ તાજેતરમાં યોજાઈ હતી. શ્રોપશાયર કોરોનર્સ કોર્ટમાં સિનિયર કોરોનર જ્હોન એલેરીએ આત્મહત્યાથી મોતનો ચુકાદો આપ્યો હતો. અહીં મુખ્ય પ્રશ્ન એ ખડો થાય કે નબળાં પરિણામોના કારણે પોતાનો જીવ ખોવો યોગ્ય ગણાય? શું જીવન માત્ર શિક્ષણ માટે જ છે? પરીક્ષાના પરિણામો જ સફળતાની પારાશીશી છે? આ બધાનો ઉત્તર ના છે.

વુલ્વરહેમ્પટન ગર્લ્સ હાઈસ્કૂલની હોંશિયાર વિદ્યાર્થિની હરપ્રીતને ડરહામ યુનિવર્સિટીમાં રશિયન અને ઈતિહાસના અભ્યાસ માટે બે A* ગ્રેડ્સ અને એક A ગ્રેડની જરૂર હતી. જોકે, તેને રશિયન, લેટિન અને હિસ્ટરીમાં માત્ર એક A અને બે Bજ મળ્યા હતા. જોકે, આ પરિણામ છતાં, બીજી પસંદગીની યુનિવર્સિટી ઓફ એડિનબરામાં પ્રવેશ મળી શકે તેમ હતો. પરિણામ પછી ચાલવા નીકળેલી હરપ્રીત પાછી ન ફરતાં પેરન્ટ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. થોડાં સમય પછી પોલીસને તેનો મૃતદેહ ૧૧ માઈલના અંતરે હાઈ રોકની ઉપરની તરફ મળી આવ્યો હતો. પોલીસને સામાનની સાથે સ્યુસાઈડ નોટ પણ મળી હતી.

હરપ્રીતની માતાએ ઈન્ક્વેસ્ટમાં જણાવ્યું હતું કે,‘હરપ્રીતના મનમાં શું ઘોળાતું હશે તે તો કહી શકાય નહિ પરંતુ, તેનો ઈરાદો ખરેખર આત્મહત્યાનો હોય તેમ હું માની શકતી નથી. તે આનંદી છોકરી હતી અને તેને ઘણા મિત્રો હતા. તેને ભાષાઓ અને ઈતિહાસમાં ભારે રસ હતો.’ કોરોનર કોર્ટ સમક્ષ એમ પણ જણાવાયું હતું કે તેણે ફેબ્રુઆરીમાં પેરાસિટામોલનો ઓવરડોઝ પણ લીધો હતો.

અહીં મુખ્ય પ્રશ્ન એ ખડો થાય કે નબળાં પરિણામોના કારણે પોતાનો જીવ ખોવો યોગ્ય ગણાય? શું જીવન માત્ર શિક્ષણ માટે જ છે? પરીક્ષાના પરિણામો જ સફળતાની પારાશીશી છે? આ બધાનો ઉત્તર ના છે. પૃથ્વી પરના તમામ સફળ વ્યક્તિઓ તેજસ્વી વિદ્યાર્થી ન હતી. નિષ્ફળતાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં લેવાય તો તે સફળતા તરફ પ્રથમ કદમ બની શકે છે. જીવનના અવિભાજ્ય હિસ્સાસમાન નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરતા બાળકોને શીખવવું જ જોઈએ.

‘હેરી પોટર’ સીરિઝની પ્રખ્યાત લેખિકા જે.કે. રોલિંગે એ-લેવલ પરીક્ષામાં બે Aઅને B મેળવ્યાં હતાં. જોકે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પ્રવેશ નકારતા તેમણે યુનિવર્સિટી ઓફ એક્સટરમાં અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછીના સાત વર્ષ તેમણે અલગ અલગ નોકરીઓ કરી હતી પરંતુ, હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોનને સફળતા પછી તેમણે આ સીરિઝના વધુ છ પુસ્તક લખ્યાં હતાં, જેની લાખો કોપીઓ વેચાઈ છે અને તેના પરથી અતિ લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કરાયું છે.

સન માર્ક લિમિટેડના સ્થાપક અને એન્ટ્રેપ્રીન્યોર રેમી રેન્જર CBE કહે છે,‘પોતે જ સ્થાપિત કરેલી અપેક્ષા પરિપૂર્ણ ન થતા‘ યુવાન, તેજસ્વી વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની આ વધુ એક કરુણાંતિકા છે. આનાથી, પેરન્ટ્સ અને શિક્ષકોએ જીવનમાં નિરાશા સાથે કઈ રીતે કામ પાર પાડવું તેની ચર્ચા અને સમજ બાળકોને આપવાની જરૂર સ્પષ્ટ થાય છે. જીવનમાં શ્રેષ્ઠ બનવા શૈક્ષણિક હોંશિયારી ધરાવવી વિશેષ આવશ્યક નથી. શૈક્ષણિક તેજસ્વીતા ન હોવાં છતાં સફળતાના શિખરે પહોંચ્યાના ઉદાહરણોમાં પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન જ્હોન મેજર, સર રિચાર્ડ બ્રાન્સન, લોર્ડ એલન સુગર અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ મુખ્ય છે. હું ખુદ મધ્યમ સ્તરનો વિદ્યાર્થી હતો છતાં, ક્વીન પાસેથી આઠ વખત ઓનર્સ મેળવવા સદભાગી બન્યો છું. ’

લોર્ડ ભીખુ પારેખ કહે છે કે,‘અન્ય પેરન્ટ્સની માફક મને પણ હરપ્રીતની આત્મહત્યાથી દુઃખ થયું છે. તમામ પરિબળો કે તેના તણાવની અપૂરતી માહિતી છતાં ગ્રેડ્સના કારણે તેણે પોતાનો જીવ લીધો તે હકીકત છે. ગ્રેડ્સ એ જ જીવન નથી તે બાળકોએ સમજવું આવશ્યક છે. આ સંદેશો વડીલોએ બાળકોને આપવાનો છે. સિદ્ધિ અને પરફોર્મન્સ મહત્ત્વ ધરાવે છે તે આ યુગમાં આ વાત સરળ નથી અને હરપ્રીત જેવા કિસ્સા બનતા જ રહેશે. આપણું કાર્ય આવી ઘટનાઓને નાહિંમત કરવામાં અસરકારક અને શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહેવાનું છે. બાળકો તેમના જીવનના દરેક તબક્કે મદદ અને માર્ગદર્શન મેળવી શકે તેવી ચોકસાઈ આપણે રાખવી જોઈએ.’

લોર્ડ નવનીત ધોળકિયા કહે છે,‘આ ખરેખર દુઃખદ ઘટના છે અને હરપ્રીતના પરિવાર અને મિત્રો તરફ આપણી સહાનુભૂતિ હોવી જોઈએ. વર્તમાન યુગમાં યુવાવર્ગ સમૃદ્ધ કારકિર્દી તરફ દોરી જતા શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવાના ભારે દબાણ હેઠલ હોય છે. પેરન્ટ્સ પણ મહત્ત્વાકાંક્ષી હોય છે અને પોતાના સંતાનોની સિદ્ધિઓનું વિશેષ ગૌરવ લે છે. આ બધું ઉછેરની પ્રક્રિયાનો હિસ્સો જ છે. જોકે, બાળકોના વિકાસમાં કોઈ અવરોધો ના રહે તે માટે દરેક તબક્કે તેમને મદદ અને માર્ગદર્શન આપવાં અનિવાર્ય છે. શાળા અને કોલેજો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બાળકો પોતાની ચિંતામાં મિત્રો, પરિવાર અને પેરન્ટ્સને સહભાગી બનાવી શકે તેની ચોકસાઈની તમામ કામગીરી આપણે કરી શકીએ જેથી, આ પ્રકારની કરુણાંતિકાઓ સર્જાય નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter