લંડનઃ કોર્ટ ઓફ અપીલ જજના લોર્ડ જસ્ટિસ બ્રીગ્સે ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીની રકમના દાવાનો નિકાલ લાવી શકાય તેવી વકીલો વિનાની ઓનલાઈન કોર્ટ શરૂ કરવા અનુરોધ કર્યો છે. સિવિલ જસ્ટિસ સિસ્ટમમાં તેમણે સૂચવેલા સુધારામાં આ દરખાસ્ત મુખ્ય છે. રિપોર્ટ મુજબ આવી કોર્ટ સ્થપાય તો કેસ લડવા માટે પક્ષકારો દ્વારા વકીલો પાછળ થતો ખર્ચ બચશે અને તેમને ત્વરિત ન્યાય મળશે.
લોર્ડ જસ્ટિસ બ્રીગ્સે જણાવ્યું હતું કે આ કોર્ટ દ્વારા દર વર્ષે હજારો દાવાનો નિકાલ લાવી શકાશે અને પરંપરાગત કોર્ટ્સ કરતાં તે નવો ચીલો ચાતરશે. જોકે, દરખાસ્ત અંગે ચિંતા વ્યક્ત કરતાં લો સોસાયટીના પૂર્વ પ્રમુખ જોનાથન સ્મિધર્સે જણાવ્યું હતું કે સૂચિત ઓનલાઈન કોર્ટ લોકોને ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીના દાવા માટે વકીલોની કાનૂની સલાહ મેળવવામાંથી બાકાત રાખશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીની રકમના નાના દાવાની સુનાવણીમાં જ સિવિલ કોર્ટ્સનો ૭૦ ટકા જેટલો સમય જતો રહે છે. જોકે, સુનાવણી હેઠળના નાના દાવાની સંખ્યા ૨૦૦૩માં ૫૧,૦૪૬ હતી તે ૨૦૧૩માં ઘટીને ૨૯,૬૦૩ થઈ હતી. સૂચિત સુધારા મુજબ મહત્ત્વના અને જટિલ કેસો ઓનલાઈન કોર્ટમાંથી ઉપલી કોર્ટને મોકલી અપાશે.


