લંડનઃ ઈલેક્ટોરલ રીફોર્મ સોસાયટીના અભ્યાસ અનુસાર હાઉસ ઓફ લોર્ડ્સના અનેક સભ્યોએ ગત પાર્લામેન્ટરી સત્રમાં મતદાન કર્યું ન હતુ, પરંતુ £૧૦૦,૦૦૦ના ખર્ચ ક્લેઈમ્સમાં જરા પણ પાછીપાની કરી ન હતી. વોટિંગ નહિ કરનારા ૬૨ ઉમરાવે ૨૦૧૦-૧૫ના સમયગાળામાં ખર્ચાઓ તરીકે કુલ £૩૬૦,૦૦૦ના ક્લેઈમ્સ કર્યા હતા.
જોકે, પૂર્વ કન્ઝર્વેટિવ ઉમરાવ અને હાલ સ્વતંત્ર અથવા ક્રોસબેન્ચર બેરોનેસ ફ્લેધરે દલીલ કરી હતી કે રિપોર્ટમાં કેટલાંક મુદ્દા પર ધ્યાન અપાયું નથી. કેટલાંક ક્રોસબેન્ચર ભાગ્યે મત આપે છે, છતાં પ્રશ્નો ઉઠાવી, ચર્ચાઓમાં ભાગ લઈને તેમ જ લોકોને મળીને બેઠકોમાં આગવો ફાળો આપે છે. તેઓ માત્ર મોટિંગ સિવાય બીજા ઘણાં કામ કરે છે.
મોટા ભાગના લોર્ડ્સને વેતન મળતું નથી, પરંતુ તેઓ સંસદીય ફરજો માટે દૈનિક £૩૦૦ના એલાવન્સનો દાવો કરી શકે છે. આ માટે તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં વોટિંગ કરવું ફરજિયાત નથી. સભ્યો માટે નાણાકીય માર્ગદર્શિકા અનુસાર તેઓ ગૃહની બેઠકોમાં હાજરી આપીને અને અન્ય ફરજો બજાવીને પણ એલાવન્સ ક્લેઈમ કરી શકે છે. અગાઉ, સભ્યોને અલગથી ઓવરનાઈટ એલાવન્સ, ડે એલાવન્સ અને ઓફિસ ખર્ચા અપાતા હતા, જેના સ્થાને દૈનિક એલાવન્સ અપાય છે. સભ્યોએ એલાવન્સનો ક્લેઈમ કરવો પડતો નથી અથવા તેઓ દૈનિક £૧૫૦ના ઘટાડેલા એલાવન્સનો દાવો પણ કરી શકે છે.