ખર્ચાની લહાણીમાં મધ્યમ વર્ગ નીચોવાયો

Wednesday 03rd November 2021 07:08 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે જાહેર ક્ષેત્રો માટે ૧૫૦ બિલિયન પાઉન્ડના વધારાના ખર્ચાની ફાળવણીઓ જાહેર કરી છે પરંતુ, તેનો ભાર મધ્યમ આવક મેળવનારા લોકો પર આવવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આશરે ૩૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનારા લાખો લોકોએ જાહેર ખર્ચાનો બોજો ટેક્સવધારા તરીકે ચૂકવવો પડશે. ટેક્સબોજો ૭૦ વર્ષમાં અને પબ્લિક સ્પેન્ડિંગ ૪૦ વર્ષમાં સૌથી ઊંચા આંકે પહોંચશે.

ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝે (IFS) જણાવ્યું છે કે મધ્યમ આવક રળનારાએ દર વર્ષે સરેરાશ ૧૮૦ પાઉન્ડ ગુમાવવા પડશે. બીજી તરફ, રેઝોલ્યુશન ફાઉન્ડેશને ચેતવણી આપી છે કે સામાન્યપણે વાર્ષિક ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલી કમાણી કરતા મધ્યમવર્ગી પરિવારોએ કોવિડ મહામારીના પગલે લેવાયેલા ઈન્વેસ્ટમેન્ટ નિર્ણયોથી સૌથી ભારે અસર સહન કરવી પડશે. ઓછો વિકાસ અને સ્થગિત વેતનવૃદ્ધિના માહોલમાં બોરિસ જ્હોન્સનના વડા પ્રધાન પદની મુદતમાં પરિવારોએ વધુ ૩,૦૦૦નો ટેક્સ ચૂકવવો પડશે.

IFSએ જણાવ્યું છે કે ઊંચા ટેક્સનો ભાર મુખ્યત્વે મધ્યમ અને ઊંચી આવક ધરાવનારા પરિવારો પર આવશે. ઊંચે જઈ રહેલા ફૂગાવાથી બજેટમાં જાહેર કરાયેલા કોઈ પણ બેનિફિટ્સ ધોવાઈ જશે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર મહામારી ત્રાટકી તે અગાઉના નાણાકીય વર્ષમાં મધ્યમ પારિવારિક આવક ૨૯,૯૦૦ પાઉન્ડ હતી. રેઝોલ્યુશન ફાઉન્ડેશને જણાવ્યું છે કે ચાન્સેલરની ખર્ચયોજનાથી સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોને આગામી એપ્રિલ સુધીમાં ૨.૯ ટકાનો લાભ થશે પરંતુ, મધ્યમવર્ગને ૦.૪ ટકા અને સૌથી ધનિકવર્ગના ૨૦ ટકાને ૧.૫ ટકાનું નુકસાન પહોંચશે.

લોકો જ્યારે વધતા જીવનનિર્વાહ ખર્ચનો સામનો કરી રહ્યા છે ત્યારે સુનાકના વાર્ષિક ૫૦ બિલિયનની ખર્ચયોજનાને પહોંચી વળવા ૧.૩ મિલિયન વર્કર્સ ઊંચા ટેક્સ બેન્ડમાં ખેંચાઈ આવશે. આગાહી મુજબ આશરે ૬ મિલિયન લોકો પોતાની કમાણીના કેટલાક હિસ્સા પર પાર્લામેન્ટના આ મુદતના અંત સુધીમાં ૪૦ ટકા ટેક્સ ચૂકવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter