ખસ્તાહાલ એનએચએસની કહાની નર્સોની જુબાની

રોયલ કોલેજ ઓફ નર્સિંગના રિપોર્ટ અનુસાર દર્દીઓના કોરીડોરમાં જ મોત થઇ રહ્યાં છે, કેટલીક હોસ્પિટલમાં તો જગ્યાના અભાવે દર્દીઓને સ્ટોર રૂમ, કાર પાર્કિંગ, ઓફિસ અને ટોઇલેટમાં પણ સારવાર આપવી પડે છે

Tuesday 21st January 2025 09:38 EST
 
 

લંડનઃ એનએચએસની સ્થિતિ એટલી ખસ્તાહાલ થઇ ગઇ છે કે દર્દીઓના કોરીડોરમાં જ મોત થઇ રહ્યાં છે. કર્મચારીઓ અત્યંત વ્યસ્ત હોવાના કારણે અને મહત્વના ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને અક્ષમ્ય નુકસાન પહોંચી રહ્યું છે.

રોયલ કોલેજ ઓફ નર્સિંગના રિપોર્ટ અનુસાર દર્દીઓ હોસ્પિટલના કોરીડોરમાં જ મૃત્યુ પામી રહ્યાં છે. કલાકો સુધી તેમની ભાળ મળતી નથી. વોકવેમાં દર્દીઓ ઉભરાઇ રહ્યાં હોવાથી હાર્ટ એટેકના દર્દીઓને સીપીઆર પણ આપી શકાતો નથી.

આરસીએને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સંખ્યાબંધ દર્દીઓને કોરીડોરમાં જ સારવાર અપાઇ રહી છે. કેટલાંક કિસ્સામાં ગર્ભવતી મહિલાઓનું વોર્ડની બહાર જ મિસકેરેજ થઇ રહ્યું છે. કોલ બેલ ન હોવાના કારણે દર્દીઓ મદદ માટે કોઇને બોલાવી પણ શક્તાં નથી. દર્દીઓને જાનવરોની જેમ રાખવામાં આવી રહ્યાં છે.

એએન્ડઇ ડોક્ટર્સના અગ્રણી ડો. એડ્રિયન બોયલેએ જણાવ્યું હતું કે, નર્સોની જુબાની પર તૈયાર કરાયેલો આ રિપોર્ટ અત્યંત ભયાનક સ્થિતિનો ચિતાર આપી રહ્યો છે. આ રિપોર્ટ જોઇને સરકારે એનએચએસ યોગ્ય રીતે કામ કરે તેના પ્રયાસ બમણા કરવા જોઇએ. રોયલ કોલેજ ઓફ ઇમર્જન્સી મેડિસિનના પ્રમુખ એવા બોયલેએ જણાવ્યું હતું કે, અમારા દર્દીઓને આ પ્રકારની બદતર સારવાર ઉપલબ્ધ કરાવવા અમે જે રીતે મજબૂર બની રહ્યાં છીએ તેના કારણે હું આઘાતમાં છું. દર્દી પ્રાઇવેટ સારવાર એફોર્ડ કરી ન શક્તો હોય અને અત્યંત જરૂરી હોય ત્યારે જ એનએચએસમાં જતો હોય છે.

5400 નર્સની જુબાનીના આધારે તૈયાર થયેલો 460 પાનનો રિપોર્ટ

-          એનએચએસમાં તમામ મૂળભૂત સુવિધાઓ ભાંગી પડી છે, દર્દીઓ કોરીડોરમાં જ ટ્રોલી અને ચેર પર મોતને ભેટી રહ્યાં છે

-          ક્રેશ બેલ, ક્રેશ ટ્રોલી, ઓક્સિજન અને ડિફિબ્રિલેટરના અભાવે કોરીડોરમાં જ દર્દી કાર્ડિયાક એરેસ્ટનો શિકાર બની રહ્યાં છે, તેમને સીપીઆર પણ મળી શક્તો નથી

-          કાતિલ ઠંડા કોરીડોરમાં દર્દીઓને દવા, ઇન્ફ્યુઝન અને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની ફરજ પડી રહી છે

-          કેટલીક હોસ્પિટલમાં તો જગ્યાના અભાવે દર્દીઓને સ્ટોર રૂમ, કાર પાર્કિંગ, ઓફિસ અને ટોઇલેટમાં પણ સારવાર આપવી પડે છે

અગાઉની સરકાર પર દોષનો ટોપલો ઢોળતાં હેલ્થ સેક્રેટરી

હાઉસ ઓફ કોમન્સમાં એનએચએસ હોસ્પિટલોની સ્થિતિ પરની ચર્ચામાં હેલ્થ સેક્રેટરી સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, અગાઉની સરકારના કારણે એનએચએસની હોસ્પિટલોમાં કોરીડોરમાં દર્દીઓને સારવાર આપવાનું ચલણ પ્રસ્થાપિત થયું છે. છેલ્લા 14 વર્ષના કન્ઝર્વેટિવ શાસનની નિષ્ફળતાના કારણે કોરીડોરમાં અસુરક્ષિત સારવાર અપાઇ રહી છે. અમારી સરકાર કોરીડોરમાં અપાતી સારવારનો અંત લાવવા માગે છે. જોકે આગામી વર્ષ સુધી કોરીડોરમાં દર્દીઓની સારવાર બંધ નહીં કરાય તેવું વચન હું આપી શક્તો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter