ખાઓ, પીઓ અને ઐશ કરો

સૂચિત ઓમિક્રોન નિયંત્રણોને પ્રધાનમંડળના મતભેદ નડી ગયા

Wednesday 22nd December 2021 05:14 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ક્રિસમસના આગમન સમયે ઓમિક્રોનના કેસનો આંકડો જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતાં કોવિડના વધુ નિયંત્રણો ક્યારે લાગુ કરાશે તે બાબતે હજુ રહસ્ય જ છે. વૈજ્ઞાનિકોની ચેતવણી છતાં, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારની મેરેથોન કેબિનેટ બેઠક પછી સ્પષ્ટ કર્યું હતું કે હાલ નવા કોઈ નિયંત્રણો લદાશે નહિ. જોકે, તેમણે ટુંક સમયમાં આમ કરવા ફરજ પડશે તેવી ચેતવણી પણ આપી હતી. દિવસે દિવસે પરિસ્થિતિ બદલાતી જાય છે ત્યારે સરકાર દિવસ અને કલાકના ધોરણે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
જ્હોન્સને જે લોકોએ વેક્સિન અને બૂસ્ટર ડોઝ લીધા નથી તેમને ઝડપથી ડોઝ મેળવી લેવાની વિનંતી કરતા કહ્યું હતું કે દેશમાં વેક્સિન નહિ લેનારાની સંખ્યા લાખોમાં છે. ઉલ્લેખનીય છે કે યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટે મચાવેલા હાહાકારમાં મૃતકોની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે.
નિયંત્રણ મામલે કેબિનેટમાં મતભેદ
એમ કહેવાય છે કે હાલ અંશતઃ નિયંત્રણો લદાયા છે ત્યારે ક્રિસમસના સમયમાં વધુ નિયંત્રણો મુદ્દે બાબતે જ્હોન્સન કેબિનેટમાં મતભેદો સર્જાયા છે. કેબિનેટમાં લાંબી ચર્ચાઓ ચાલી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાનો મત જણાવવા પ્રયાસ કરતી હતી. અગાઉ, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ચેતવણી આપી હતી કે ગમે ત્યારે ક્રિસમસ નિયંત્રણો લદાઈ શકે છે. ક્રિસમસ ઊજવણી પહેલાં નિયંત્રણો નહિ લદાય તો ઓમિક્રોનના કેસ ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.
બહુમતી લોકો જોખમ લેવાના મૂડમાં નથી
Ipsos MORI દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું છે કે સરકાર નિયંત્રણો લાદે કે ન લાદે બ્રિટિશરો કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ દૂર રાખવા માગે છે. ૫૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી અથવા તેમ કરવાની યોજના છે.
બીજી તરફ, ૫૭ ટકા લોકોએ પબ્સ અને રેસ્ટોરાંની મુલાકાત, મિત્રો અને પરિવાર સાથે સામાજિલ મેળમિલાપ સંદર્ભે પણ આમ જણાવ્યું હતું. હાલ ક્રિસમસની ઉજવણીનો માહોલ છતાં, મોટા ભાગની પબ્સ અને રેસ્ટોરાં ખાલી દેખાય છે તેમજ માર્ગો પર જરા પણ ભીડ દેખાતી નથી.
અગાઉના અહેવાલો અનુસાર યુકેમાં સરકારે આ મહિને નાતાલ પછી પખવાડિયાનું એક એવા બે નાના સરકીટ બ્રેકર લોકડાઉન લાદવાનું આયોજન વિચાર્યું છે. નિયંત્રણોના મુસદ્દા અનુસાર કામ સિવાય બીજા કોઇ કારણસર ઘરોમાં મળવા પર પાબંદી મુકવામાં આવશે અને પબ અને રેસ્ટોરાંમાં પણ માત્ર આઉટડોર સર્વિસ જ આપવામાં આવશે. અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક અને વર્ક ફ્રોમ હોમ સહિતના કેટલાક નિયંત્રણો ચાલુ જ છે.
ઇમરજન્સીમાં સરકારને સલાહ આપનારાં વિજ્ઞાનીઓ અને રાજકારણીઓ વચ્ચેની બેઠકની કાર્યવાહીની લીક થયેલી વિગતો અનુસાર વિજ્ઞાનીઓએ મિનિસ્ટર્સને આકરાં પગલાં ભરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સલાહકારોએ કહ્યું છે કે હાલ વધુ કડક નિયંત્રણો લાદવામાં નિષ્ફળતાથી ટુંક સમયમાં જ નેશનલ હેલ્થ સર્વિસની હોસ્પિટલોમાં પેશન્ટ્સ દાખલ થવાનો બોજો વધી જશે. ઓમિક્રોનથી લંડનમાં હોસ્પિટલાઈઝેશનમાં ભારે ઉછાળો આવ્યો જ છે.
પહેલી વખત રોજના ૧ લાખથી વધુ કેસ
કોરોનાના ભારે ચેપી ઓમિક્રોન વેરિએન્ટે દેખા દીધી પછી યુકેમાં ગત સપ્તાહે સોપ્રથમ વખત એક જ દિવસમાં ૧૦૦,૦૦૦થી વધુ કેસ નોંધાયાનો વિક્રમ થયો છે. ગત બુધવારે કુલ ૧૦૨,૨૯૭ લોકોના વાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું સરકારના આંકડા જણાવે છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે ગત શુક્રવારે નવા ૯૩,૦૪૫ કોવિડ કેસનો અહેવાલ આપ્યો હતો અને ચાર દિવસમાં કેસની સંખ્યામાં ખાસ ફેરફાર નોંધાયો નથી. હાલ દરરોજ વિક્રમી ૧.૫ મિલિયન બ્રિટિશરોનું પરીક્ષણ કરાઈ રહ્યું છે. બ્રિટનમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાવિરોધી રસીના વિક્રમી ૯,૦૬,૬૬૫ ડોઝ અપાયા હતા, જેમાં ૮,૩૦,૦૦૦ બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.
બ્રિટનમાં કોરોનાના વધતા કેસને પગલે યુરોપના દેશોએ પણ ઓમિક્રોનનો પ્રસાર રોકવા માટે પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી પાછા ફરતા લોકોને ક્વોરન્ટાઈન કરવાના નિર્દેશ આપ્યા છે એટલું જ નહિ, જર્મનીમાં માત્ર કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય એવા લોકોને જ પ્રવેશ આપવાનું જાહેર કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter