લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા તેમની સરકારની ટોચની પ્રાથમિકતા રહેશે. તેમણે યુકેની ખાદ્ય આત્મનિર્ભરતા માટેના નવા ઇન્ડેક્સ પર હસ્તાક્ષર કરવાનું વચન આપ્યું છે. વડાપ્રધાને જણાવ્યું છે કે યુકેની 60 ટકા ખાદ્ય આપૂર્તિ ઘરઆંગણાની ઉપજોમાંથી થાય છે તેમ છતાં ચોક્કસ ફળો અને શાકભાજીનું ઉત્પાદન ઘણું ઓછું છે. યુકેમાં વપરાશના ફક્ત 16 ટકા ટામેટાનું ઉત્પાદન થાય છે. તેવી જ રીતે લેટસ, રાસબરી અને સફરજનનું ઉત્પાદન પણ 14 ટકા જેટલું નીચું છે.
નેશનલ ફાર્મર્સ યુનિયન સાથે વાત કરતાં સુનાકે જણાવ્યું હતું કે, અમે ખાદ્ય સુરક્ષાના મામલાને હળવાશથી લઇશું નહીં. હું તમારી સાથે ઊભો છું. હું દર વર્ષે ફૂડ સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન કરીશ અને ટૂંકસમયમાં સેલ્ફ સફિશિયન્સી ઇન્ડેક્સ કાયદો સંસદમાં લાવવાનો પ્રયાસ કરીશ.
વડાપ્રધાને ખેડૂતોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તમે અદ્દભૂત કામગીરી કરી રહ્યાં છો. અમે તમને પુરતું પ્રોત્સાહન આપી શકતાં નથી તેનો ખેદ છે. વડાપ્રધાને ખેડૂતોને વાર્ષિક 2.4 બિલિયન પાઉન્ડની સબસિડીનો પુનરોચ્ચાર કર્યો હતો.

