લંડનઃ સ્લાઉમાં આવેલા ન્યૂ શાહી સ્પાઇસ રેસ્ટોરન્ટના પૂર્વ માલિકોને 7000 પાઉન્ડ કરતાં વધુનો દંડ ફટકારાયો છે. રેસ્ટોરન્ટના કીચનમાં ઠેર ઠેર ઉંદરની લિંડીઓ મળી આવ્યા બાદ કાઉન્સિલ દ્વારા ફેબ્રુઆરી 2024માં રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાયું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરોની કાર્યવાહીમાં રેસ્ટોરન્ટ ખાતે ફૂડ સેફ્ટી નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું હતું.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં વ્યાપક પ્રમાણમાં ઉંદરો હોવાનું સામે આવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ખુલ્લા કન્ટેનરોમાં ખાદ્યસામગ્રીનો સંગ્રહ કરાતો હતો. તેમાંથી પણ ઉંદરની લિંડીઓ મળી આવી હતી. રેસ્ટોરન્ટની આ સ્થિતિ માટે કંપની ડિરેક્ટર રિહાના અખ્તર અને ફૂડ બિઝનેસ ઓપરેટર પરવેઝ અખ્તરને જવાબદાર ઠેરવાયા હતા.