લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ દાખલ કરાયાની સૌથી વધુ અસર જાહેર ક્ષેત્રના વર્કરની સરખામણીએ ખાનગી ક્ષેત્રના કર્મચારીને વધુ થવાનું એક સંશોધનના તારણો જણાવે છે. થિન્ક ટેન્ક સોશિયલ માર્કેટ ફાઉન્ડેશનના સંશોધન અનુસાર નવા વેતન માટે પ્રાઈવેટ સેક્ટરના લગભગ ૨૫ ટકા વર્કર લાયક બનશે, જે સંખ્યા પબ્લિક સેક્ટરના લાયક કર્મચારીના બમણા કરતા વધુ હશે. એપ્રિલ મહિનાથી ૨૫ અને તેથી વધુ વયના કર્મચારી માટે લિવિંગ વેજનું લઘુતમ ધોરણ પ્રતિ કલાક ૭.૨૦ પાઉન્ડનું રહેશે, જે ૨૦૨૦ સુધીમાં વધીને ૯ પાઉન્ડ થશે. અગાઉ લઘુતમ વેતન પ્રતિ કલાક ૬.૭૦ પાઉન્ડ હતું.
ગત ઉનાળાના બજેટમાં જાહેર ફેરફારોની અસર તપાસતા તારણો મુજબ મોટા વેતનબિલોની સૌથી વધુ અસર રીટેઈલ, હોલસેલ અને હોસ્પિટાલિટી સેક્ટર્સને થશે. એકોમોડેશન અને ફૂડ સર્વિસીસ સેક્ટરમાં ૯૦ ટકાથી વધુ વર્કફોર્સને ભારે અસર થશે, જ્યારે આર્ટ્સ, મનોરંજન અને રીક્રીએશન ક્ષેત્રમાં ૬૦ ટકાથી વધુ તેમજ રીટેઈલ અને હોલસેલ સેક્ટરમાં ૫૦ ટકાથી વધુ કર્મચારીને અસર થશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના તાજા સર્વે અનુસાર ગત વર્ષની સરખામણીએ પ્રાઈવેટ સેક્ટરના એમ્પ્લોયર્સ તેમના પગારમાં મોટો વધારો કરવાની ધારણા છે, જેમાં કન્ઝ્યુમર સર્વિસીસમાં સૌથી મોટો વધારો થઈ શકે છે.
સંશોધન એ પણ જણાવે છે કે નવા દરનો ફાયદો મેળવનારા કર્મચારીઓમાં ૧૮ ટકા તો યુવાન વર્કર્સ હશે. ૫૦ અને તેથી વધુ વયના વર્કર્સના અંદાજે ૩૩ ટકા લાભમાં હશે. ધ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા અંદાજ મૂકાયો હતો કે નવા વેતનના કારણે ૬૦,૦૦૦ નોકરીઓ ભયમાં મૂકાશે. જોકે, લો પે કમિશને સંખ્યા વધુ હોઈ શકે તેમ જણાવ્યું હતું. જોકે, એવો અંદાજ પણ મંડાયો છે કે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને જાહેર કર્યા જેટલો પગારવધારો બ્રિટિશરોને મળશે નહિ.

