લંડનઃ વંશીય લઘુમતી વર્ગના અડધોઅડધ બાળકો શાળાની બહાર ખાનગી ટ્યુશન્સ મેળવતા હોવાની શક્યતા છે. આશરે ૧૧ વર્ષના વ્હાઈટ બાળકોની સરખામણીએ બ્લેક, ચીની અથવા ભારતીય બેકગ્રાઉન્ડ ધરાવતાં વિદ્યાર્થીઓ બમણું ખાનગી ટ્યુશન્સ મેળવવાની સાથે જ વધુ હોમવર્ક પણ કરે છે. ન્યુકેસલ યુનિવર્સિટી અને નેટસેન સોશિયલ રીસર્ચના સંશોધકો દ્વારા વર્ષ ૨૦૦૦માં જન્મેલા બાળકો શાળાની બહાર તેમનો સમય કેવી રીતે વીતાવે છે તે જોવાં ૧૯,૦૦૦ બાળકોનો અભ્યાસ કર્યો હતો.
સંશોધકોએ બાળકોની પાંચ, સાત અને ૧૧ વર્ષની વયે ડેટા મેળવ્યો હતો. તેમાં જણાયું હતું કે સાત વર્ષની વયે પ્રાઈમરી સ્કૂલના ૨૦માંથી એક વિદ્યાર્થી ખાનગી ટ્યુશન મેળવે છે, જ્યારે ૧૧ વર્ષે પહોંચતાં સંખ્યા પાંચમાંથી એક કરતા પણ (૨૨ ટકા) વધી જાય છે. ભારતીયોમાં સાત વર્ષની વયે ખાનગી ટ્યુશન સામાન્ય ગણાય છે અને ૨૦ ટકા ભારતીય બાળકો શાળાની બહારના શિક્ષકો દ્વારા અભ્યાસ કરે છે. વ્હાઈટ બાળકોમાં આ પ્રમાણ સૌથી ઓછું એટલે કે ત્રણ ટકાનું જ હતું.
૧૧ વર્ષની વયે વંશીય જૂથો ખાનગી ટ્યુશન મેળવવામાં સૌથી આગળ રહે છે, જેમાં ૪૮ ટકા ચાઈનીઝ, ૪૭ ટકા બ્લેક અને ૪૨ ટકા ભારતીય બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે વ્હાઈટ બાળકોનું પ્રમાણ ૨૦ ટકાનું હતું. હોમવર્ક માટેનો સમય પણ વંશીયતા મુજબ અલગ હતો. ૨૫ ટકા ચાઈનીઝ અને અન્ય વંશીય જૂથો, જ્યારે ૨૪ ટકા ભારતીય અને ૨૦ ટકા અશ્વેત બાળકો સપ્તાહમાં ઓછામાં ઓછાં પાંચ કલાક હોમવર્ક માટે ફાળવતાં હતાં, જ્યારે વ્હાઈટ બાળકોમાં આ પ્રમાણ ૭ ટકાનું જ હતું.