ખાનગી લેન્ડલોર્ડ્સે £૯ બિલિયન વાર્ષિક હાઉસિંગ બેનિફિટ્સ લીધાં

Monday 22nd August 2016 10:13 EDT
 
 

લંડનઃ ભાડાંની કિમતોમાં ભારે ઉછાળા સાથે હાઉસિંગ બેનિફિટ્સનું બિલ પણ વધ્યું છે અને ખાનગી લેન્ડલોર્ડ્સે ૨૦૧૫માં વાર્ષિક હાઉસિંગ બેનિફિટ્સ તરીકે ૯.૩ બિલિયન પાઉન્ડનો લાભ મેળવ્યો હતો, જે છ વર્ષ અગાઉની સરખામણીએ બમણો છે. નેશનલ હાઉસિંગ ફેડરેશનના આંકડા અનુસાર વર્ષ ૨૦૦૮ પછી હાઉસિંગ બેનિફિટ્સ મેળવનારાં ટેનાન્ટ્સની સંખ્યામાં ૪૨ ટકાનો ઊછાળો આવ્યો છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ભાડાંની રકમમાં મર્યાદા પુનઃ દાખલ કરવાની માગણી કરી છે. જોકે, સરકારે કહ્યું છે કે તે હાઉસિંગ બેનિફિટ્સ બિલને મેનેજ કરવાના પગલાં લઈ રહી છે.

નેશનલ હાઉસિંગ ફેડરેશનના આંકડા અનુસાર વર્ષ ૨૦૦૬માં ખાનગી લેન્ડલોર્ડ્સને હાઉસિંગ બેનિફિટ્સ તરીકે ૪.૬ બિલિયન પાઉન્ડ ચુકવાયા હતા, પરંતુ ૨૦૦૮ પછી હાઉસિંગ બેનિફિટ્સ મેળવનારાં ટેનાન્ટ્સની સંખ્યા ૪૨ ટકા વધી છે. સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ ઓરે કહ્યું હતું કે કરદાતાના નાણાનું રોકાણ પોસાય તેવા મકાનોના નિર્માર્ણમાં કરવાના બદલે ખાનગી મકાનમાલિકોના ખિસામાં જાય તે ગાંડપણ છે. જો ખાનગી સેક્ટરના મકાનોમાં રહેતાં પરિવારોને એફોર્ડેબલ સરકારી આવાસોમાં રખાય તો સરકારને વાર્ષિક ૧.૫ બિલિયન પાઉન્ડની બચત થઈ શકે છે.

યુકેમાં મુખ્ય ૧૦ સ્થાનિક ઓથોરિટી દ્વારા નવેમ્બર ૨૦૧૫માં દર સપ્તાહે હાઉસિંગ બેનિફિટ્સ પાછળ ખર્ચાયેલી સરેરાશ રકમમાં બ્રેન્ટ (૧૮૩.૦૯ પાઉન્ડ), એન્ફિલ્ડ (૧૭૧.૬૬), હેરો (૧૭૦.૫૪), વેસ્ટમિન્સ્ટર (૧૭૦.૪૮), બાર્નેટ (૧૬૮.૨૨), એલિંગ (૧૬૪.૯), કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી (૧૫૯.૯૫), કેન્સિંગ્ટન અપોન થેમ્સ (૧૫૫.૩૭), રેડબ્રિજ (૧૫૩.૧૧) અને વોન્ડ્ઝવર્થ (૧૪૯.૧૧ પાઉન્ડ)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter