લંડનઃ ઈંગ્લેન્ડની સ્વતંત્ર શાળાઓએ સરકારી સબસિડીના બદલામાં સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ૧૦,૦૦૦ ફ્રી બેઠક આપવા તૈયારી દર્શાવી છે. ૧,૨૦૦ ખાનગી શાળાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ધ ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ કાઉન્સિલે જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થીદીઠ વાર્ષિક ૫,૫૦૦ પાઉન્ડ સબસિડી ચુકવે તો તેઓ ૧૦,૦૦૦ ફ્રી બેઠકો પૂરી પાડવા તૈયાર છે. અત્યારે સરકારી શાળાઓને વિદ્યાર્થીદીઠ આટલું જ ભંડોળ અપાય છે.
આ ઓફર સ્વીકારાય તો વાસ્તવમાં ૧૯૮૦માં માર્ગારેટ થેચરના શાસનમાં શરૂ કરાયેલી અને ટોની બ્લેરના પ્રથમ કાર્યકાળમાં ૧૯૯૭માં નાબૂદ કરાયેલી આસિસ્ટેડ પ્લેસીસ સ્કીમનો નવેસરથી આરંભ થશે. આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓના પરિવારને ફી પોસાય નહિ તેમના માટે ખાનગી શાળાઓમાં બેઠક અપાતી હતી. ગ્રામર સ્કૂલ્સ વધારવાના સરકારના વલણ સામે ખાનગી શાળાઓ દ્વારા આવો પ્રતિભાવ અપાયો છે.
ઈંગ્લેન્ડની ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સમાં ડે સ્કૂલની સરેરાશ ફી વાર્ષિક ૧૩,૦૦૦ પાઉન્ડ છે, જે લંડનની આસપાસના વિસ્તારોમાં આ ફી ૧૮,૦૦૦ પાઉન્ડ જેટલી થઈ શકે છે.


