ખાનગી હોસ્પિટલો NHSને ડોક્ટર્સ, નર્સીસ સહિત હેલ્થ કેર સ્ટાફ પૂરો પાડશે

Wednesday 25th March 2020 01:44 EDT
 
 

લંડનઃ કોરોનાવાઈરસ સામેના યુદ્ધમાં અભૂતપૂર્વ પગલામાં જાહેર આરોગ્ય સેવાને હજારોની સંખ્યામાં ડોક્ટર્સ અને નર્સીસ તેમજ હેલ્થ કેર સ્ટાફ પૂરો પાડવા દેશની ખાનગી હોસ્પિટલો સાથે સમજૂતી કરાઈ હોવાનું NHS દ્વારા જાહેર કરાયું છે. આ સમજૂતી હેઠળ સ્વતંત્ર સેક્ટર તેમની સંપૂર્ણ નેશનલ હોસ્પિટલ ક્ષમતાને સાગમટે NHSને હસ્તાંતર કરશે. આના બદલામાં ખાનગી ક્ષેત્રને નહિ નફા-નહિ નુકસાનના ધોરણે વળતર અપાશે. આ સાથે ૨૦,૦૦૦ ક્વોલિફાઈડ સ્ટાફ હંગામી ધોરણે NHS સાથે જોડાશે અને ૮,૦૦૦ હોસ્પિટલ પથારીઓ અને વધુ ૧૨૦૦ વેન્ટિલેટર પણ મળશે.

વિશેષ સમજૂતીના આધારે ખાનગી ક્ષેત્ર પણ ૨૦,૦૦૦ ક્વોલિફાઈડ સ્ટાફ, ૮,૦૦૦ પથારીઓ અને વધુ ૧૨૦૦ વેન્ટિલેટર સાથે NHS સાથે હંગામી ધોરણે જોડાશે. આ ઉપરાંત, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકની ‘યોર NHS નીડ્સ યુ’ અપીલના ૪૮ કલાકમાં જ ૪૦૦૦ નર્સીસ અને ૫૦૦૦ ડોક્ટર્સ NHS માં કામ કરવા પાછાં ફર્યા છે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે દેશને યુદ્ધના ધોરણે કામગીરી માટે હજુ વધુ ડોક્ટર્સ અને નર્સિસ તથા હેલ્થ કેર સ્ટાફની આવશ્યકતા છે.

દેશની આરોગ્ય સેવા તેની સંપૂર્ણ ક્ષમતાએ કામ કરી રહી છે ત્યારે પ્રાપ્ત વધારાના સ્રોતો થકી NHS ને કોરોના વાઈરસ પેસન્ટ્સની સારવારમાં ભારે મદદ મળશે એટલું જ નહિ, અન્ય અરજન્ટ ઓપરેશન્સ અને કેન્સરની સારવાર પણ હાથ ધરી શકાશે. આ સમજૂતીથી લંડનમાં ૨૦૦૦ હોસ્પિટલ પથારી તેમજ ૨૫૦ ઓપરેટિંગ થીએટર્સ અને ક્રિટિકલ બેડ્સ પ્રાપ્ય બનશે. યુકેનું ઈન્ડિપેન્ડન્ટ હોસ્પિટલ ગ્રૂપ સ્પાયર હેલ્થકેર તેની ઈંગ્લેન્ડની ૩૫ હોસ્પિટલોની સમગ્ર ક્ષમતા સાથે ૨૩ માર્ચથી ઓછામાં ઓછાં ૧૪ સપ્તાહ સુધી અને તે પછી માસિક ધોરણે NHS England ની મદદમાં રહેશે. NHS England દ્વારા અગાઉ જાહેર કરાયું હતું કે અરજન્ટ ના હોય તેવા ઓપરેશન્સ રદ કરી તેમજ ડિસ્ચાર્જ કરી શકાય તેવા ફીટ દર્દીને કોમ્યુનિટી કેરને સોંપી તેની કુલ ૧૦૦,૦૦૦ પથારી ક્ષમતામાંથી ૩૦,૦૦૦ પથારી મુક્ત કરી નવી કોરોના સારવારમાં લગાવશે.

NHS England ના વડા સાઈમોન સ્ટીવન્સે જણાવ્યું છે કે અભૂતપૂર્વ વૈશ્વિક આરોગ્ય જોખમનો સામનો કરવા તેમજ સારવાર ક્ષમતાને વધારવા તમામ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઈન્ડિપેન્ડન્ટ હેલ્થકેર પ્રોવાઈડર્સ નેટવર્કના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હારેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી NHSને સાથ આપવા તેઓ તૈયાર છે. તેમણે દાયકાઓ સુધી NHS સાથે કામ કર્યું છે અને મહામારીની કટોકટીનો સામનો કરવા તેની પડખે ઉભાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter