લંડનઃ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા ભારતના ઉત્તર પ્રદેશના એક ગામમાં ખાપ પંચાયતે ભાઈના ભાગી જવાના કથિત ગુના બદલ બે બહેનો પર બળાત્કાર કરવા આપેલા આદેશ વિશેનો રિપોર્ટ તદ્દન ખોટો તેમ જ દ્વેષપૂર્ણ અને મલિન ઈરાદાપૂર્વકનો હોવાનો ખુલાસો બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા કરાયો છે. હાઈ કમિશને ઈન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલને ટાંકી જણાવ્યું છે કે આ ગામમાં દાયકાઓથી ખાપ પંચાયતની કોઈ મીટિંગ થઈ નથી. ઉ.પ્ર. પોલીસ સત્તાવાળાઓએ પણ એમ્નેસ્ટી રિપોર્ટ ખોટો હોવાનું જણાવ્યું છે.
બાગપત જિલ્લાના સાંકરોડ ગામની એક દલિત મહિલાએ ખાપ પંચાયતના આદેશ સામે તેને અને તેની બહેનને રક્ષણ અપાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૭ ઓગસ્ટે ઉત્તર પ્રદેશ સરકારનો જવાબ માગ્યો હતો. દલિત મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ જાટ કોમ્યુનિટીની પરીણિત સ્ત્રી સાથે ભાગી ગયો હતો. તેની સજા તરીકે બે બહેનો પર બળાત્કાર કરવાની સજા ખાપ પંચાયતે ફરમાવી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો.
જોકે, ગામના સ્થાનિક લોકોએ તેમ જ દલિત સરપંચ બાલા તેમ જ બાગપત પોલીસ અધિકારી શરદ સાટને પણ દાયકાઓથી ખાપ પંચાયતની આવી કોઈ મીટિંગ થયાનો ઈનકાર કર્યો છે. ગામમાં દલિત- જાટ અને મુસ્લિમ વસ્તી સંપથી રહે છે. સાકરોડ સહિત ૩૬૦ ગામના સમૂહની ખાપ પંચાયતના વડા જિતેન્દ્ર સિંહે પણ જણાવ્યું હતું કે ઘણા સમયથી પંચાયત મળી જ નથી તો આવા આદેશનો પ્રશ્ન ક્યાંથી આવે?