લંડનઃ બ્રિટનના સૌથી વ્યસ્ત સ્પીડ કેમેરાના કારણે કુલ પાંચ મિલિયન પાઉન્ડના જંગી દંડનો ભોગ બનેલા હજારો વાહનચાલકોને રિફંડ આપવા નિર્ણય લેવાયો છે. સાઉધમ્પ્ટનના મેબ્રે કિંગ વેના ૩૦mph કેમેરા ખામીપૂર્ણ જણાયા હોવાનું હેમ્પશાયર પોલીસે સ્વીકાર્યું છે. આ વિસ્તારમાં સ્પીડ લિમિટ તોડવા બદલ ઓછામાં ઓછાં ૧૦૦ પાઉન્ડનો દંડ થાય છે અને ૨૦૧૫-૨૦૧૭ના ગાળામાં દંડરુપે પાંચ મિલિયન પાઉન્ડની આવક થઈ હતી.
સાઉધમ્પ્ટનના મેબ્રે કિંગ વેના સૌથી વ્યસ્ત ૩૦mph સ્પીડ કેમેરા ખામીપૂર્ણ હોવાનું બહાર આવતા પોલીસ ફોર્સ પર હજારો વાહનચાલકોએ રોષ ઠાલવ્યો છે.આ કેમેરાએ ૨૦૧૫થી ૨૦૧૭ના ત્રણ વર્ષના ગાળામાં ૫૧,૦૪૯ મોટરિસ્ટ્સને નિયત સ્પીડ કરતાં વધુ ઝડપે વાહન હંકારવા બદલ કુલ ૫.૧ મિલિયન પાઉન્ડથી વધુનો દંડ ફટકાર્યો હતો.
જોકે, હવે હેમ્પશાયર પોલીસે સ્વીકાર્યું હતું કે આ કેમેરા ખોટી રીતે સ્પીડનું રીડિંગ લેતા હતા. બે વાહનચાલકોએ તેઓ સ્પીડ લિમિટની અંદર જ હોવાના વીડિયો ફૂટેજ દર્શાવ્યા પછી ખોટી રીતે દંડની નોટિસ મોકલવા બદલ પોલીસ ફોર્સે તેમની માફી માગી હતી. SUVs, વાન્સ, મોટરહોમ્સ, લોરીઝ જેવાં ઊંચા વાહનોના ચાલકોએ ખોટી રીતે એક્ટિવ થઈ જતાં કેમેરાની ગતિવિધિનો શિકાર બનવું પડ્યું હતું.


