લંડનઃ ખામીયુક્ત પાર્કિંગ મશીનોના કારણે સમગ્ર ઇંગ્લેન્ડના વાહનચાલકો દંડાઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. પ્રાઇવેટ પાર્કિંગ કંપનીઓ દ્વારા વાહનચાલકોને રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખોટી રીતે 170 પાઉન્ડ સુધીના પીસીએન મોકલવામાં આવી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી આ સમસ્યાના નિકાલની વાતો કરી રહ્યાં છે તો આરએસી આ મામલામાં સરકારી હસ્તક્ષેપની માગ કરી રહ્યું છે.
ઘણા કાર પાર્કમાં મશીનમાંથી ટિકિટ ખરીદતી વખતે વાહનચાલકે તેના વાહનના રજિસ્ટ્રેશનની માહિતી આપવી પડે છે. જેથી ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરામાં વાહન આવે ત્યારે તેને પીસીએન પાઠવવામાં ન આવે. પરંતુ હજારો વાહનચાલકોને યોગ્ય રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પીસીએન મળી રહ્યાં છે. ટિકિટના ફોટોગ્રાફ રજૂ કરવા છતાં તેમની અપીલો નકારવામાં આવી રહી છે. ટિકિટો પર ખોટું રજિસ્ટ્રેશન થતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે.