લંડનઃ બ્રિટનમાં સ્માર્ટ મીટર બરાબર કામ કરી રહ્યાં નથી જેના કારણે ગ્રાહકોને ગેસ અને વીજળીના તગડાં બિલનો સામનો કરવો પડી રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી એન્ડ નેટ ઝીરોના આંકડા અનુસાર જૂન 2023 સુધી 2.7 મિલિયન સ્માર્ટ મીટર સ્માર્ટ મોડમાં કામ કરી રહ્યાં નહોતાં. 2023માં આ આંકડો 3.98 મિલિયન પહોંચ્યો છે. ગ્રાહકો ખામીયુક્ત મીટરોના કારણે મસમોટાં બિલ આવી રહ્યાં હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. એનર્જી યુકેએ માગ કરી છે કે સપ્લાયરોએ ખામીયુક્ત મીટરો બદલવાં જોઇએ.
યુકેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવર્તી રહેલી એનર્જી ક્રાઇસિસના કારણે ગરીબીમાં વધારો જોવા મળ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઇંધણોની કિંમતમાં થયેલા વધારાના કારણે લાખો લોકો ગરીબીમાં ધકેલાઇ ગયાં છે. 2022-23માં ગરીબીમાં ધકેલાયેલા લોકોની સંખ્યામાં 12 મિલિયનનો વધારો થયો છે. તેનો અર્થ એ થયો કે યુકેમાં ગરીબીનો દર 18 ટકા પર પહોંચ્યો છે જે 0.78 ટકાનો વધારો દર્શાવે છે. સરકારનો રેકોર્ડ વર્ણવતી વખતે વડાપ્રધાન દ્વારા રજૂ કરાતા માપદંડને એબ્સોલ્યૂટ પોવર્ટી તરીકે ઓળખાય છે.
છેલ્લા એક વર્ષમાં પેન્શન મેળવતા લોકોની ગરીબીમાં વધારો થયો નથી પરંતુ મોટી સંખ્યામાં બાળકો ગરીબીમાં ધકેલાઇ ગયાં છે. એક અંદાજ પ્રમાણે 3 લાખ બાળકો ગરીબીમાં ધકેલાયાં છે. 1990ના દાયકા પછી બાળકોની ગરીબીમાં બે ટકાનો વધારો થયો છે.