લંડનઃ 19 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇકમિશન ખાતે આચરાયેલી હિંસાના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સના જાતે બની બેઠેલા વડા અવતારસિંહ ખાંડાનું બર્મિંગહામમાં સેન્ડવેલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. તેમના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી અને તેમના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
યુકેથી મળતી માહિતી અનુસાર ખાંડાના સમર્થકો તેમને ઝેર આપીને હત્યા કરાઇ હોય તેવો મેડિકલ રિપોર્ટ ઇચ્છે છે જેથી ખાંડાને શહીદ જાહેર કરીને તેમની હત્યાનો આરોપ ભારતની સિક્યુરિટી એજન્સીઓ પર મૂકી શકાય. જોકે ખાંડા બ્લડ કેન્સરથી પીડાતા હતા અને તેમને 15 દિવસ અગાઉ સેન્ડવેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
એનઆઇએ દ્વારા ભારતીય હાઇકમિશન પર હુમલામાં સંડોવાયેલા પાંચ વ્યક્તિઓની તસવીર જારી કરાઇ તેમાં ખાંડાનો પણ સમાવેશ થાય છે.
વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા
લંડનઃ કેનેડામાં ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની રવિવારે સાંજે બ્રિટિશ કોલમ્બિયાના સરી ખાતે ગોળી મારીને હત્યા કરાઇ હતી. સરીમાં ગુરૂ નાનક ગુરુદ્વારા સાહિબ નજીક કેટલાક અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરને ઠાર માર્યો હતો. પોલીસે આ સંદર્ભમાં બે શંકાસ્પદની ધરપકડ કરી હતી. નિજ્જર ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસનો અગ્રણી નેતા હતો.


