લંડનઃ યુકે સ્થિત શીખ એક્ટિવિસ્ટ હરમનસિંહ કપૂરે તેમના ઘર પર એક જ કલાકમાં સંખ્યાબંધવાર હુમલા કરાયાનો આરોપ મૂક્યો છે. હરમનસિંહે પોલીસની મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળતા તેમણે સોશિયલ મીડિયા પર જાહેર જનતા પાસે મદદ માગતા સંખ્યાબંધ અરજન્ટ મેસેજ પોસ્ટ કર્યાં હતાં.
હરમનસિંહ ખાલિસ્તાન કટ્ટરવાદના પ્રખર વિરોધી રહ્યાં છે. તેમણે આરોપ મૂક્યો હતો કે મારા વારંવારના ફોન કોલ્સ છતાં મેટ્રોપોલિટન પોલીસ દ્વારા કોઇ રિસ્પોન્સ અપાયો નહોતો. તેઓ હાલ યુકેની બહાર છે. તેમણે ગૂંડાઓ સામે પરિવારના સભ્યોને બચાવવા જાહેર જનતાની મદદ માગી હતી. કપૂરના ઘરની બારીના કાચ અને બહાર પાર્ક કરેલી કારોમાં તોડફોડ કરાઇ હતી.
કપૂરે જણાવ્યું હતું કે, યુકેની પોલીસને શરમ આવવી જોઇએ. મેં પોલીસને મારા ઘેર જવા વારંવાર અપીલ કરી હતી પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.

