લંડનઃ ખાલિસ્તાની કટ્ટરવાદી સંગઠન બબ્બર ખાલસાને મદદ કરવા અને ભારતમાં કથિત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપસર યુકે સરકારે બ્રિટિશ નાગરિક અને બબ્બર અકાલી લેહર નામના સંગઠન પર પ્રતિબંધ લાદી દીધા છે. યુકે ટ્રેઝરીના જણાવ્યા અનુસાર બ્રિટિશ સરકારે પહેલીવાર તેના ઘરેલુ આતંકવાદ વિરોધી કાયદાઓ અંતર્ગત ખાલિસ્તાન સમર્થક બબ્બર ખાલસા પર પ્રતિબંધ લાદ્યા છે.
બ્રિટિશ સરકારે બબ્બર ખાલસા અને બબ્બર અકાલી લેહર માટે લશ્કરી સામગ્રી અને શસ્ત્રો ખરીદવા, આર્થિક મદદ કરવા, આતંકવાદીઓની નિયુક્તિ અને પ્રોત્સાહન માટે લીડ્સના 34 વર્ષીય ગુરપ્રીતસિંહ રેહલ પર પ્રતિબંધ લાદ્યો છે. સરકારે બબ્બર ખાલસામાં નિયુક્તિઓ માટે બબ્બર અકાલી લેહર સંસ્થા પર પણ પ્રતિબંધ લાગુ કર્યા છે.
પ્રતિબંધો અંતર્ગત કોઇપણ બ્રિટિશ નાગરિક કે સંસ્થા ગુરપ્રીતસિંહ રેહલ અને બબ્બર અકાલી લેહરની માલિકીના ફંડ અથવા આર્થિક સ્ત્રોત સાથે કોઇ વ્યવહાર રાખી શકશે નહીં. ટ્રેઝરી ખાતેના ઇકોનોમિક સેક્રેટરી લ્યુસી રિગબીએ જણાવ્યું હતું કે, અમે બ્રિટનની ફાઇનાન્સિયલ સિસ્ટમનો દુરુપયોગ કરતા આતંકવાદીઓને સાથ આપી શકે નહીં. બ્રિટન આતંકવાદને કરાતા ફંડિંગને અટકાવી દેશે.
યુકેના પગલાંને ભારત સરકારનો આવકાર
ખાલિસ્તાની કટ્ટરવાદી તત્વો સામે સ્ટાર્મર સરકારે લીધેલા પગલાંને ભારત સરકારે આવકાર આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પગલાંથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇ વધુ મજબૂત બનશે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત વિરોધી તત્વો સામેના પગલાં મની લોન્ડરિંગ અટકાવશે અને સરહદો પારથી કામ કરી રહેલા ક્રિમિનલ નેટવર્કનો નાશ કરી શકાશે.
મુસ્લિમ બ્રધરહૂડ પર પ્રતિબંધ લાદવા સ્ટાર્મર સરકારની વિચારણા
બ્રિટનની સ્ટાર્મર સરકાર મુસ્લિમ બ્રધરહૂડ સંગઠન પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા આ સંગઠનની આકરી સમીક્ષા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કટ્ટરવાદી સંગઠન સરકારી વિભાગોમાં પગપેસારો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેના પર આતંકવાદ વિરોધી કાયદાઓ અંતર્ગત પ્રતિબંધ લાદવા વિચારણા ચાલી રહી છે. ગયા મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જણાવી ચૂક્યા છે કે અમેરિકા મુસ્લિમ બ્રધરહૂડને વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરશે.


