લંડનઃ યુકેમાં વસતા ખાલિસ્તાની અલગતાવાદીઓએ ફરી એકવાર પોત પ્રકાશ્યું છે. બુધવારે ચેથમ હાઉસમાં વિચારગોષ્ઠિમાં ભાગ લઇ વિદાય લઇ રહેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સામે ત્યાં એકઠાં થયેલા ખાલિસ્તાનીઓએ ઉગ્ર નારાબાજી કરી હતી. તેમણે જયશંકરની કારને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એક ખાલિસ્તાની અલગતાવાદી દ્વારા ભારતનો તિરંગો ફાડી નાખવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક ખાલિસ્તાની જયશંકરની કાર સામે આવી ગયો હતો અને તિરંગો ફાડ્યો હતો. તે સમયે ત્યાં હાજર લંડન પોલીસના અધિકારીઓએ તેને અટકાવવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો.
ભારતના વિદેશમંત્રી 6 દિવસની યુકે અને આયર્લેન્ડની યાત્રા પર આવ્યા ત્યારે આ ગંભીર સેંધમારીની ઘટના બની હતી. તેમણે હોમ સેક્રેટરી ય્વેટ કૂપર સાથેની મુલાકાતમાં કટ્ટરવાદીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પહેલાં પણ ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કરાયો હતો.