ખાલિસ્તાની દેખાવોનું સૂરસૂરિયું

કેનેડાના વાનકુંવર અને ઇટાલીના રોમ ખાતે ખાલિસ્તાનીઓએ તિરંગા સળગાવ્યાં, લંડનમાં માંડ 30-40 સમર્થકો હાજર રહેતાં દેખાવો સમેટી લેવાયાં, ટોરોન્ટોમાં ભારતીયોએ મોટી સંખ્યામાં હાજર રહી ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો,

Tuesday 11th July 2023 14:37 EDT
 
 

લંડનઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા, અલગ ખાલિસ્તાનની માગ સાથે 8 જુલાઇના શનિવારના રોજ યુકે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇટાલી સહિતના દેશોમાં ભારતીય દૂતાવાસો સામે દેખાવો કરવાના ખાલિસ્તાની અલગતાવાદીઓના આહવાનનું સૂરસૂરિયું થઇ ગયું હતું.

લંડનના ભારતીય હાઇ કમિશન ખાતે ખાલિસ્તાનીઓના દેખાવોને કોઇ પ્રતિસાદ હાંસલ થયો નહોતો. વરસતા વરસાદ વચ્ચે માંડ 35-40 લોકો દેખાવોમાં સામેલ થયાં હતાં જેના કારણે દેખાવોના આયોજકોને વહેલા સમેટી લેવાની ફરજ પડી હતી. દેખાવોમાં હાજર રહેલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી અને બર્મિંગહામમાં સ્થિત ભારતીય કોન્સુલ જનરલ ડો. શશાંક વિક્રમની તસવીરો સાથેના હિંસા માટે ઉશ્કેરણી કરતા વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. બ્રિટિશ પોલીસની મોટી હાજરી મધ્યે આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ નોંધાયો નહોતો. આ પહેલાં યુકેની સરકારે જાહેરાત કરી હતી કે લંડનમાં ભારતીય હાઇકમિશન પર કોઇપણ પ્રકારનો હુમલો અસ્વીકાર્ય છે.

કેનેડામાં ટોરોન્ટો ખાતેના ભારતીય દૂતાવાસની બહાર કેનેડિયન શીખ સમુદાયના મુઠ્ઠીભર લોકો એકઠાં થયાં હતાં અને ખાલિસ્તાન ઝિંદાબાદની નારાબાજી કરી હતી. પરંતુ ખાલિસ્તાનીઓના આ દેખાવોનો વિરોધ કરવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં કોન્સ્યુલેટ ખાતે પહોંચ્યા હતા અને તિરંગો ફરકાવી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી ખાલિસ્તાની દેખાવોનો ફિયાસ્કો કરી નાખ્યો હતો. વાનકુંવરમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને ફાડીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

 ઇટાલીના રોમ ખાતે પણ ખાલિસ્તાનવાદીઓએ તિરંગાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની અલગતાવાદીઓના આહવાનને નબળો પ્રતિસાદ મળ્યો હતો અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ સમર્થકો હાજર રહેતાં દેખાવો ઝડપથી આટોપી લેવામાં આવ્યાં હતાં.

અમેરિકામાં પણ ખાલિસ્તાની અલગતાવાદીઓની કોઇ ગતિવિધિ જણાઇ નહોતી. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ, ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો સહિતના શહેરોમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ ખાતે પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવતાં ખાલિસ્તાનીઓ ફરક્યાં નહોતાં. પોલીસે દેખાવો કરવાની પરવાનગી આપી નહોતી.

યુકેમાં લાભ મેળવવા ખાલિસ્તાનીઓ ભારતનો વિરોધ કરે છેઃ લોર્ડ રેમી રેન્જર

લંડનઃ યુકેમાં ભારતીય સમુદાયના અગ્રણી લોર્ડ રેમી રેન્જરે ખાલિસ્તાન સમર્થકોની આકરી ટીકા કરી હતી. લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો યુકેમાં રાજ્યાશ્રય મેળવવાના હથકંડા તરીકે ભારતને ગાળો ભાંડે છે. એકવાર ભારતને ગાળો ભાંડ્યા બાદ ભારતમાં તેમની સામે કેસ નોંધાતા તેઓ યુકેમાં રાજ્યાશ્રય મેળવવાના પ્રયાસ કરે છે. તેઓ ગુરુદ્વારાના પૈસા ખાવા માટે ખાલિસ્તાનીઓ પર ભારતમાં અત્યાચાર થયો હોવાના આરોપો મૂકે છે.

લોર્ડ રેન્જરે ખાલિસ્તાન સમર્થકોને પડકાર ફેંક્યો હતો કે યુકેમાં રાજકીય પાર્ટી બનાવો પછી જુઓ કે તમને મત મળે છે કે જૂતા પડે છે. તેમણે જણાવ્યું હતું કે શું ખાલિસ્તાન સમર્થક શીખોને તેમનો ઇતિહાસ ખબર છે? તમારા મૂળ હિન્દુઓમાંથી જ નીકળ્યાં છે. ગુરુ નાનક પણ હિન્દુ હતા. ગુરુ ગોવિંદસિંહ પણ હિન્દુ હતા. ખાલિસ્તાન સમર્થકો પોતાના ગુરૂઓની ધરતીને જ વિભાજિત કરવા માગે છે.

બ્રિટનમાં ખાલિસ્તાનના સમર્થકોની આકરી ટીકા કરતા લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, તેઓ હિન્દુસ્તાનના વિકાસ આડે અવરોધો ઊભા કરે છે. ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ખાલિસ્તાન સમર્થકો સમાજને વિભાજિત કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter