ખાલિસ્તાની સમર્થકોના 300 ખાતામાંથી 5 મિલિયન પાઉન્ડ જપ્ત કરાયાના અહેવાલો સરકારે નકાર્યા

સુનાક સરકાર દ્વારા ખાલિસ્તાની સમર્થકોના 5000 બેન્ક ખાતાની તપાસ ચાલી રહી હોવાનો ભારતીય મીડિયા અહેવાલોમાં દાવો

Tuesday 02nd April 2024 12:29 EDT
 
 

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના આદેશથી યુકેની સરકારે બ્રિટનમાં ખાલિસ્તાની નેટવર્ક પર પ્રહાર કરીને 300 કરતાં વધુ ખાલિસ્તાની બેન્ક ખાતાઓમાંથી 9 મિલિયન પાઉન્ડ (અંદાજિત રૂપિયા 100 કરોડ) જપ્ત કર્યા હોવાના ભારતીય મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલોને યુકેની સરકારે નકારી કાઢ્યાં છે. ઇન્ટરનેટ પર સંખ્યાબંધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુનાક સરકારે ખાલિસ્તાની નેટવર્ક સામે આકરાં પગલાં લેતાં યુકેમાં ખાલિસ્તાની સમર્થકોના 300 કરતાં વધુ બેન્ક ખાતા સીલ કરી દીધાં છે.

અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનાક સરકાર દ્વારા ખાલિસ્તાની મૂવમેન્ટને સપોર્ટ કરનારાઓના વધુ 5000 બેન્ક ખાતાઓની ચકાસણી ચાલી રહી છે. આ ખાતાઓ દ્વારા કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સુધી આર્થિક વ્યવહારો કરાતા હોવાની શંકા છે.

યુકેની હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના દાવાઓને સમર્થન આપતાં નથી. યુકેને તેના વૈવિધ્યપૂર્ણ સમુદાયો પર ગૌરવ છે અને બ્રિટિશ શિખ સમુદાય અમારા સમાજને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. યુકેમાં કોઇ પ્રકારનો કટ્ટરવાદ સ્વીકાર્ય નથી. સરકાર કોઇપણ પ્રકારની હિંસા, વિભાજિત કરતી વિચારધારાઓને અટકાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter