ખાલિસ્તાનીઓ દ્વારા બ્રિટિશ ભારતીયો પર હુમલોઃ પાક. જાસૂસી સંસ્થાનાં હાથની શંકા

Wednesday 13th March 2019 02:53 EDT
 
 

લંડનઃ ખાલિસ્તાની સમર્થકોએ નવ માર્ચના શનિવારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર પોતાની એપોઇન્ટમેન્ટની રાહ જોતા બ્રિટિશ ભારતીયોને નિશાન બનાવી કરીને હુમલો કર્યો હતો. શીખ પાઘડી પહેરેલા હુમલાખોરો નારા-એ-તકબીર અને અલ્લાહ-હુ-અકબર વગેરેના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો હાથ હોવાની શંકા સેવાય છે.

યુકેસ્થિત કાશ્મીરીઓ અને ખાલિસ્તાની સંગઠનોએ ભારત સરકાર દ્વારા વંશીય લઘુમતીઓ પર કહેવાતા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ભારતવિરોધી નારા લગાવાયા હતા તેના વિરોધમાં કેટલાક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમર્થનમાં નારેબાજી કરી તે સમયે આ અથડામણ થઈ હતી. પોલીસે શાંતિભંગ કરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેને પાછળથી છોડી દેવાઈ હતી. આ અથડામણના એક વીડિયોમાં શીખ પાઘડી પહેરેલા અને હાથમાં ખાલિસ્તાનના ઝંડા સાથે કેટલાક લોકો નારા-એ-તકબીર અને અલ્લાહ-હુ-અકબર વગેરે સૂત્રોચ્ચાર સાથે બ્રિટિશ ભારતીય લોકોને મારતા જોવા મળ્યા હતા. ઓવરસીઝ પાકિસ્તાની વેલફેર કાઉન્સિલ તથા શીખ્સ ફોર જસ્ટિસના જૂથો તેમજ બ્રિટન ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી સમૂહના લોકો વચ્ચેની આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોવાના સમાચાર નથી.

ભારતીય વાયુ સેનાએ બાલાકોટ ખાતે હવાઈહુમલાની કરેલી કાર્યવાહીથી અકળાયેલા પાકિસ્તાને બદલો લેવા ખાલિસ્તાનવાદીઓ દ્વારા લંડનસ્થિત બ્રિટિશ ભારતીયો પર હુમલો કરાવ્યો હોવાની શક્યતા દેખાઈ રહી છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ખાલિસ્તાન સમર્થકોને ટેકો આપે છે. ISI ભારતને મુશ્કેલીમાં મૂકવા ખાલિસ્તાનવાદી ચળવળ ફરી શરૂ કરાવવાના પેંતરા કરી રહી છે. યુએસ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં શીખ ઉદ્દામવાદીઓ સાથેનું કનેક્શન જાણીતી બાબત છે.

દક્ષિણ કાશ્મીરમાં ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા ખાતેના હુમલા પછી બ્રિટિશ ભારતીયોએ ૧૬ ફેબ્રુઆરીએ લંડનના માર્ગો અને પાકિસ્તાની હાઈ કમિશનની સામે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સુત્રોચ્ચારો સાથે પાકિસ્તાન વિરૂદ્ધ જોરદાર વિરોધ કરવા ઉપરાંત, પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter