લંડનઃ કેટલાક કટ્ટરવાદી બ્રિટિશ શિખોના એક જૂથે શુક્રવારે સ્કોટલેન્ડ ખાતે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. એક ખાલિસ્તાન સમર્થક શિખે જણાવ્યું હતું કે, દોરાઇસ્વામી આલ્બર્ટ ડ્રાઇવ ખાતે આવેલા ગ્લાસગો ગુરુદ્વારામાં ગુરુદ્વારા કમિટી સાથે મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઇ હતી. તેના પગલે કેટલાક ખાલિસ્તાન સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા અને દોરાઇસ્વામીની મુલાકાતનો વિરોધ કર્યો હતો. જેના પગલે ઘર્ષણ થતાં દોરાઇસ્વામી ત્યાંથી ચાલ્યા ગયા હતા.
તેણે જણાવ્યું હતું કે, જે કાંઇ બન્યું તેનાથી ગુરુદ્વારા કમિટી નારાજ થઇ હશે પરંતુ યુકેના કોઇપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓ આવકાર્ય નથી. અમે ભારત અને યુકેની મિલિભગતથી નારાજ છીએ. હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલા તણાવના કારણે બ્રિટિશ શિખોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. અવતારસિંહ ખાંડા અને જગતારસિંહ જોહલ સાથે પણ આમ જ કરવામાં આવ્યું હતું.
શિખ યૂથ યુકે દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં હાઇ કમિશ્નરને લંગર પીરસવા માટે ગોઠવાયેલા ટેબલો જોઇ શકાય છે. વીડિયોમાં એક ખાલિસ્તાન સમર્થક અને ગુરુદ્વારા કમિટીના એક સભ્ય વચ્ચે થતો સંઘર્ષ પણ જોઇ શકાય છે. ત્યારબાદ વીડિયોમાં અન્ય બે ખાલિસ્તાન સમર્થકને કાર પાર્કિંગમાં હાઇ કમિશ્નરની કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા જોઇ શકાય છે. જોકે તેઓ તેમાં તેઓ સફળ થતાં નથી અને હાઇ કમિશ્નરની કાર ત્યાંથી રવાના થઇ જાય છે.
એક અન્ય ખાલિસ્તાન સમર્થકે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે ભારતીય અધિકારીઓ કેવા પ્રકારની રમત રમી રહ્યાં છે. કેનેડામાં જે કાંઇ થયું તે પણ અમે જાણીએ છીએ. એક તરફ કેનેડાના વડાપ્રધાન ભારતની કામગીરીને વખોડીને તેના રાજદ્વારીઓને હાંકી રહ્યાં છે ત્યારે ગુરુદ્વારા કમિટીઓ ભારતીય અધિકારીઓ માટે લાલ જાજમ બિછાવી રહ્યાં છે જે આપણા ગાલ પર તમાચા સમાન છે.
ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ભારતીય અધિકારીઓને ધમકી અપાઇ હતીઃ હાઇ કમિશન
લંડનઃ ગ્લાસગોના ગુરુદ્વારા ખાતે ભારતીય હાઇ કમિશ્નર પરના હુમલાને વખોડી કાઢતાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, હાઇ કમિશનના બે અધિકારીઓને ખાલિસ્તાની કટ્ટરવાદી તત્વો દ્વારા ધમકીઓ અપાઇ હતી તેથી કોઇ મોટી ઘટના ન બને તે માટે બંને અધિકારીને ત્યાંથી પરત ફરી જવાની ફરજ પડી હતી. હાઇ કમિશને જણાવ્યું હતું કે, બહારથી આવેલા કટ્ટરવાદી તત્વો હાઇ કમિશ્નરની કારનો દરવાજો બળજબરીથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે ભારતીય અધિકારીઓની સુરક્ષા પર જોખમ સર્જાયું હતું. પોલીસે આ મામલાની વ્યાપક તપાસ કરવી જોઇએ.
ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને જાણી જોઇને ખોરવવાનો પ્રયાસ કરાયો હતો. એક આયોજકે કરેલા હસ્તક્ષેપના કારણે મોટી ઘટના ટાળી શકાઇ હતી. મેં આ મામલામાં દોષીઓ સામે પગલાં લેવા યુકેના સત્તાવાળાઓને અપીલ કરી છે.
ભારત દ્વારા યુકે સરકાર સમક્ષ વિરોધ નોંધાવાયો
આ ઘટનાના વિરોધમાં ભારત સરકારે બ્રિટિશ વિદેશ મંત્રાલય અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પણ ઘટનાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, ગુરુદ્વારા તમામ ધર્મના લોકો માટે ખુલ્લા છે અને યુકે સ્થિત ભારતના હાઇ કમિશ્નરને ગુરુદ્વારામાં પ્રવેશ કરતા અટકાવવા જોઇતા નહોતા. ભાજપના નેતા મનજિન્દરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે, કોઇપણ સમુદાય કે જાતિની કોઇપણ વ્યક્તિ ગુરુદ્વારામાં આવી શકે છે.
વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા અત્યંત મહત્વનીઃ યુકે
ગ્લોસગોમાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીની મુલાકાતમાં ખલેલ પહોંચાડવાના મુદ્દે યુકેના જુનિયર ફોરેન ઓફિસ મિનિસ્ટર એન મેરી ટ્રેવેલિયને ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વની છે. યુકેમાં ધાર્મિક સ્થળો દરેક માટે ખુલ્લાં હોવા જોઇએ.


