ખાસ સુધારા વિના બ્રેક્ઝિટ પ્લાન-બી રજૂઃ હવે ૨૯ જાન્યુઆરી પર નજર

Wednesday 23rd January 2019 01:29 EST
 
 

લંડનઃ પોતાની બ્રેક્ઝિટ સમજૂતીમાં ગત સપ્તાહે ૨૦૨ વિરુદ્ધ ૪૩૨ મતથી ઐતિહાસિક પરાજય પછી વડા પ્રધાન થેરેસા મેએ ૨૧ જાન્યુઆરી સોમવારે કોમન્સ સમક્ષ તેમનો પ્લાન બી લઈ ઉપસ્થિત થયાં હતાં. જોકે, તેમની અગાઉની અને નવી યોજનામાં ખાસ ફેરફાર જણાતો ન હોવાથી તેનો પણ વિરોધ થવાનું નિશ્ચિત છે અને વડા પ્રધાનને આ યોજનામાં પણ પરાજય વેઠવો પડે તેનું જોખમ છે. ઈયુમાંથી યુકેને બહાર નીકળવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઈયુના નેતાઓએ તો તેમના પ્લાન બીને તત્કાળ ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મૂળ સમજૂતી રદ કર્યા વિના જ ફેબ્રુઆરીમાં ઈયુના નેતાઓ સાથે આઈરિશ બેકસ્ટોપ મુદ્દાની નવેસરથી ચર્ચા કરવા આગળ વધી શકે છે. આઈરિશ રિપબ્લિક દ્વારા પણ થેરેસાના પ્લાન બીનો વિરોધ કરાયો છે. તેમનાં પ્લાન બી પર જાન્યુઆરી ૨૯મીએ મતદાન કરાશે અને સાંસદો દ્વારા તેમાં સુધારા પણ સૂચવવામાં આવ્યા છે. આ સુધારા મુખ્યત્વે બ્રેક્ઝિટને વિલંબમાં નાખવા તેમજ સેકન્ડ રેફરન્ડમ તરફ આગળ વધવા અંગેના છે. લેબર નેતા જેરેમી કોર્બીને પણ સેકન્ડ રેફરન્ડમ સહિતના વિકલ્પો તપાસવા મુદ્દે સુધારો રજૂ કર્યો છે. થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં રહેવા ઈચ્છતા ઈયુ નાગરિકો માટે ૬૫ પાઉન્ડની વિવાદિત એપ્લિકેશન ફી પડતી મૂકવાની પણ જાહેરાત કરી હતી. અગાઉ, હોમ ઓફિસે આવી ફી લેવાની ચેતવણી આપી હતી પરંતુ, ઈયુ નાગરિકોના અભિયાનના પગલે વડા પ્રધાને આ પગલું જાહેર કર્યું હતું.

પોતાની બ્રેક્ઝિટ સમજૂતીમાં ઐતિહાસિક પરાજય પછી વડા પ્રધાન થેરેસા મેએ ૨૧ જાન્યુઆરી સોમવારે કોમન્સ સમક્ષ તેમનો પ્લાન બી લઈ ઉપસ્થિત થયાં હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મૂળ સમજૂતી રદ કર્યા વિના જ ફેબ્રુઆરીમાં ઈયુના નેતાઓ સાથે આઈરિશ બેકસ્ટોપ મુદ્દાની નવેસરથી ચર્ચા કરવા આગળ વધી શકે છે. અગાઉ, તેમણે કેબિનેટને જણાવ્યું હતું કે સોફ્ટર બ્રેક્ઝિટ માટે સમગ્ર રાજકીય પક્ષો સાથે મંત્રણા કરી ટોરી પાર્ટીને વિભાજિત કરવાનું જોખમ ઉઠાવવાના બદલે ઈયુ પાસેથી વધુ છૂટછાટ મેળવવાનું પસંદ કરશે. વડા પ્રધાને બ્રેક્ઝિટ તારીખ લંબાવવાની માગણી ફગાવતાં એમ પણ કહ્યું હતું કે સેકન્ડ રેફરન્ડમ માટે કોમન્સમાં પૂરતી બહુમતી ન હોવાનું તેઓ માને છે.

લેબર પાર્ટી સેકન્ડ રેફરન્ડમ માટે તૈયાર

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વલણમાં નોંધપાત્ર બદલાવ સાથે સરકાર વૈકલ્પિક બ્રેક્ઝિટ પ્લાન્સની ચર્ચા કરે તે માટે કોમન્સમાં સુધારો રજૂ કર્યો છે. આખરી બ્રેક્ઝિટ સમજૂતી સંબંધિત નવા જનમત માટેનો કાયદો લાવવા પાર્લામેન્ટને પૂરતો સમય મળી રહે તે સરકારે જોવું પડશે. બ્રેક્ઝિટને અટકાવવાના પ્રયાસ તરીકે કોર્બીનને વલણ બદલવું પડ્યાની ચર્ચા છે. પૂર્વ મિનિસ્ટર ક્રિસ લેસ્લીએ ચેતવણી આપી હતી કે જેરેમી કોર્બીન સેકન્ડ રેફરન્ડમને સમર્થન આપવાનો ઈનકાર કરશે તો જનતા તેમને માફ નહિ કરે. બીજી તરફ, નો-ડીલ બ્રેક્ઝિટને નકારવાની ખાતરી નહિ આપનારાં થેરેસા મેએ ચેતવણી આપી છે કે બીજા બ્રેક્ઝિટ જનમતથી સામાજિક સુમેળને નુકસાન થશે અને બ્રિટિશ લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ ઘટશે. જો આ સુધારાને સફળતા મળશે તો આ વર્ષના ઉત્તરાર્ધમાં સેકન્ડ રેફરન્ડમ લેવાનો થશે.

બ્રેક્ઝિટમાં વિલંબ કરવાની પણ યોજના

થેરેસા મેની સમજૂતીને ઐતિહાસિક મતદાનથી ફગાવી દેવાયાં પછી ઈયુમાં રહેવાની તરફેણ કરનારા સર્વપક્ષીય સાંસદોએ ઈયુમાંથી બહાર નીકળવામાં વિલંબ અથવા તેને સદંતર રદ કરવાના પ્રયાસો વધારી દીધા છે. લેબર અને કન્ઝર્વેટિવ રીમેઈનર્સ દ્વારા રજૂ કરાયેલા સુધારા પર આગામી મંગળવાર, ૨૯ જાન્યુઆરીએ મતદાન કરાશે. આ સુધારાઓમાં આર્ટિલ ૫૦ની જોગવાઈને વિલંબમાં નાખવી અથવા રદ કરવી અથવા સેકન્ડ રેફરન્ડમ તરફ આગળ વધવાનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહે નો-ડીલને અટકાવવાના સુધારા વિરુદ્ધ મતદાન કરવાનો આદેશ અપાશે તો આશરે ૪૦ મિનિસ્ટર સરકાર છોડી દેશે તેવી ચેતવણી પણ વડા પ્રધાન મેને અપાઈ છે.

મૂળ સમજૂતીને સમર્થન મળી શકે

બ્રેક્ઝિટ પ્રક્રિયાનો અંકુશ સરકાર પાસેથી છિનવી લઈ પાર્લામેન્ટને સોપવા અને યુકેને ઈયુમાંથી બહાર નીકળવાને અટકાવવાના પ્રયાસોથી ગભરાયેલા ટોરી બ્રેક્ઝિટીઅર્સ આખરે વડા પ્રધાનની મૂળ સમજૂતીને સમર્થન આપવા તરફ પણ આગળ વધી શકે છે.ટોરી સાંસદ નાડિન ડોરિસે જણાવ્યું છે કે યુરોપતરફી સાંસદોને અંકુશ મેળવતા અટકાવવા મિસિસ મેની સમજૂતી જ ટેકો આપવો જ જોઈએ તે હવે તેમના બ્રેક્ઝિટીઅર સાથીઓને સમજાઈ રહ્યું છે. સરકારને સમર્થન કરી રહેલી અને અગાઉના મતદાનમાં સરકાર વિરુદ્ધ મતદાન કરનારી ડીયુપીએ પણ વડા પ્રધાનની સમજૂતીને સમર્થન આપી શકાય તેવું વલણ અપનાવ્યું છે. ડીયુપીના બ્રેક્ઝિટ પ્રવક્તા સામી વિલ્સને પણ જણાવ્યું છે કે જો એકપક્ષી એક્ઝિટની જોગવાઈ હશે તો તેમનો પક્ષ આઈરિશ બોર્ડર બેકસ્ટોપને સમર્થન આપી શકે છે. આમ વડા પ્રધાન મેની મૂળ સમજૂતી માટે આશા વધી રહી છે.

ઈયુએ થેરેસા મેનો બ્રેક્ઝિટ બી પ્લાન ફગાવ્યો

વડા પ્રધાન મેએ કોમન્સ સમક્ષ બ્રેક્ઝિટ બી પ્લાન રજૂ કર્યાના ગણતરીના કલાકોમાં યુરોપિયન નેતાઓએ ફગાવી દીધો હતો. બ્રસેલ્સમાં આઈરિશ બેકસ્ટોપ મુદ્દે છૂટછાટ માટે નવેસરથી ચર્ચાની ડાઉનિંગ સ્ટ્રીટની તજવીજને ડબ્લિને સ્પષ્ટ ના સાથે નકારી હતી. ઈયુ સમજૂતીમાંથી બેકસ્ટોપ જોગવાઈ દૂર કરી તેના સ્થાને એંગ્લો-આઈરિશ સંધિ મૂકવા તેમજ યુકે સાથે મહત્ત્વપૂર્ણ શાંતિપ્રક્રિયાના દસ્તાવેજ ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ નવેસરથી લખવાનો સુધારો પણ યુરોપિયન પાર્લામેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ મેરીડ મેકગિનેસે ફગાવવાં સાથે કહ્યું હતું કે યુકે અને આયર્લેન્ડ વચ્ચે નવી સંધિ કોઈ વિકલ્પ નથી. આયર્લેન્ડના યુરોપિયન એફેર્સ મિનિસ્ટર હેલન મેક્એન્ટીએ બેકસ્ટોપ રદ ન થઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે બ્રેક્ઝિટ સમજૂતી ઈયુ અને યુકે વચ્ચે જ હોવાનું કહી લંડન અને ડબ્લિન વચ્ચે સીધી મંત્રણાને પણ ફગાવી હતી. આમ, ત્રણે મુદ્દે શ્રીમતી મેની પહેલ નકારવામાં આવતા રાજકીય ગૂંચવણમાં વધારો થયો છે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટે ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટમાં બદલાવની માગણીના અખબારી અહેવાલોને નકારી કાઢ્યા છે. બીજી તરફ, જર્મનીના યુરોપ મિનિસ્ટર માઈકલ રોથે બ્રિટનને નવેસરથી વિચારી યુરોપિયન યુનિયનમાં જ રહેવાનો અનુરોધ કર્યો છે.

ઈયુ નાગરિકો પરની ફી રદ કરાઈ

વડા પ્રધાન મેએ પોતાના પ્લાન બીને પસાર કરાવવાના પ્રયાસરુપે બ્રેક્ઝિટ પછી યુકેમાં રહેવા ઈચ્છતા ઈયુ નાગરિકા પર લદાનારી ૬૫ પાઉન્ડની એપ્લિકેશન ફી રદ કરવાની જાહેરાત કરી દીધી છે. વડા પ્રધાને હાઉસ ઓફ કોમન્સને સંબોધતા કહ્યું હતું કે સાંસદોએ આ યોજનાનો તીવ્ર વિરોધ કરતા તેઓ પીછેહઠ કરી રહ્યાં છે. યુકે ૨૯ માર્ચે ઈયુ છોડી રહ્યું છે ત્યારે હોમ ઓફિસે યુકેમાં રહેવા માગતા ઈયુ નાગરિકોનું સ્ટેટસ કન્ફર્મ કરવાના પ્રોજેક્ટને આગળ વધાર્યો છે. આ સંદર્ભે વડા પ્રધાને કહ્યું હતું કે જેમણે પાઈલોટ તબક્કામાં આ ફી ભરી છે તેમને પરત કરવામાં આવશે. ઈયુ નાગરિકોને અહીં રહેવામાં કોઈ નાણાકીય અવરોધ નહિ નડે. કોમન્સમાં સાંસદોએ તેમના શબ્દોને વધાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter