લંડનઃ ભારતના નવી દિલ્હી ખાતે વિશ્વના પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં 23 દેશોની પુરુષોની 20 અને મહિલાઓની 19 ટીમે ભાગ લીધો હતો જેમાં બ્રિટિશ મહિલા ટીમ રસપ્રદ રહી હતી. આ ટીમમાં તમામ 15 ખેલાડી ભારતીય મૂળની હતી જેમાં 5 ખેલાડીઓની અટક શાહ અને 4 ખેલાડીની અક પટેલ હતી. તે ઉપરાંત જાનકી મિસ્ત્રીનો પણ ટીમમાં સમાવેશ કરાયો હતો. એટલે કે 10 ખેલાડીઓ તો ગુજરાતી મૂળની હતી જ્યારે અન્ય ખેલાડી પણ ભારતીય મૂળની રહી હતી.
ઈંગ્લિશ ટીમની વાત કરીએ તો તેમાં જેસિકાબેન પટેલ., પ્રિના શાહ, કેશવી રાજેન શાહ, રીહા રૂપેશ શાહ, આન્યા શાહ, માયા પટેલ, રુહી શાહ, સ્નેહા પટેલ, જૈમિનીબેન પટેલ, જાનકી મિસ્ત્રી ઉપરાંત ઐશ્વર્યા આપ્ટે અનુશ્રી કાલુસ્કર, માથા મેપા, નવ્યા શંદીલ અને જાસ્મીન પ્રભુ સામેલ હતાં.
કેન્યાની પુરુષ ટીમમાં પણ હિરેન પાઠક અને યશ પટેલ નામના 2 ગુજરાતી યુવકો પણ સામેલ હતાં. આ બંને ખેલાડીઓ ત્યાં હિન્દુ સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા છે, જ્યાં તેઓ ખો-ખો સહિતની રમતો રમતા હતા
હાલ 50થી વધુ દેશમાં ખો-ખો રમાય છે, 90 દેશમાં પ્રસારનો લક્ષ્યાંક
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા. દ્વારા ઘણાં દેશોમાં રમતના વિસ્તરણ માટે મોટા પ્રમાણમાં કોચને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યા હતા. કેન્યા, દ.કોરિયા સહિત વિવિધ દેશોની ટીમના કોચ ભારતીય કે ભારતીય મૂળના લોકો જ છે. ખો-ખો ફેડરેશનનાં અધ્યક્ષ સુંધાશુ મિત્તલે કહ્યું કે, ખો-ખો હાલ 50થી વધુ દેશ સુધી પહોંચી ગઈ છે. જેના લીધે આ વર્લ્ડ કપમાં મહિલા-પુરુષમાં કુલ 39 ટીમો રમી રહી છે. અમારો લક્ષ્યાંક 2025નાં અંતસુધીમાં 90 દેશમાં તેને લઈ જવાનો છે. જેથી આ રમતને આવનાર સમયમાં ઓલિમ્પિકમાં માન્યતા અપાવી શકાય.


