લંડનઃ ખ્યાતનામ બ્રિટિશ લેખક અને પૂર્વ રાજકારણી જેફરી આર્ચરનું 86 વર્ષની વયે અવસાન થયું છે. આર્ચરના પબ્લિશર હાર્પરકોલિન્સ મુજબ સોમવારે લેખન સત્ર દરમિયાન તેમનું અચાનક અને શાંતિપૂર્ણ અવસાન થયું હતું. પાંચ દાયકા લાંબી લેખન કારકિર્દીમાં 300 મિલિયનથી વધુ પુસ્તકો વેચનાર આર્ચર કેઇન એન્ડ એબલ અને ક્લિફ્ટન ક્રોનિકલ્સ જેવી તેમની નવલકથાઓ માટે જાણીતા હતા. તેમની અંતિમ નવલકથા એડમ એન્ડ ઇવ આ સપ્તાહે પ્રકાશિત થવાની છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોક સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.
જેફરી આર્ચર એક ફળદ્રુપ લેખક હતા, જેમને તેમના સ્વદેશ યુકે કરતાં ભારતમાં વધુ લોકપ્રિયતા મળી. બ્રિટનની જેલ વ્યવસ્થાના અનુભવોમાંથી તેમણે અત્યંત રસપ્રદ 'પ્રિઝન ડાયરીઝ' રચી હતી. તેમના જીવનકાળ દરમિયાન તેમણે 59 કૃતિઓ પ્રકાશિત કરી, જેમાં 31 નવલકથાઓ, 7 વાર્તા સંગ્રહો અને અન્ય રચનાઓનો સમાવેશ થાય છે. આર્ચરનું લેખન ભારતના ઉભરતા અને આકાંક્ષી મધ્યમ વર્ગ માટે ખૂબ જ સરળ અને સુલભ હતું. તેમની શૈલી એવી હતી જે વાચકને દરેક શબ્દ માટે ડિક્શનરી ખોલવાની ફરજ પાડ્યા વગર વાર્તામાં જકડી રાખતી હતી.
એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેનો જેફરી આર્ચરનો સંબંધ
વર્ષ 2019 સુધી, સતત અનેક વર્ષો સુધી એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાપ્તાહિકો દ્વારા આયોજિત એશિયન અચીવર્સ એવોર્ડ્સ માટે આર્ચરની સત્તાવાર હરાજીકર્તા તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે પોતાની આગવી અને આકર્ષક શૈલી દ્વારા આ એવોર્ડ સમારોહ માધ્યમથી વિવિધ નામાંકિત ચેરિટી સંસ્થાઓ (દર વર્ષે એક) માટે લાખો પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવામાં મહત્વદાન આપ્યું છે. આ ઉપરાંત, મે 2017માં આયોજિત બીજા વાર્ષિક એશિયન વોઇસ ચેરિટી એવોર્ડ્સમાં તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આ સન્માન સ્વીકારતી વખતે આર્ચરે જણાવ્યું હતું કે, એશિયન સમુદાય પ્રત્યેના મારા પ્રેમને કારણે હું આ એવોર્ડને કાયમ માટે સાચવી રાખીશ.


