ગંજીફાના પત્તા પર ગણેશજીઃ હિન્દુઓમાં નારાજગી

Wednesday 25th March 2020 04:39 EDT
 
 

લંડનઃ અમેઝોન યુકે દ્વારા ભગવાન ગણેશના ચિત્રવાળા ગંજીફાના પત્તાનું વેચાણ કરવા સામે હિન્દુ સમાજ નારાજ થયો છે. રાજકારણી અને હિન્દુ સમાજના અગ્રણી રાજન ઝેદે આ મામલે માંગણી કરી છે કે અમેઝોન માફી માંગે અને હિન્દુઓ માટે પૂજનીય ભગવાન ગણેશના ચિત્રવાળા ગંજીફાના પત્તા માર્કેટમાંથી પાછા ખેંચી તેનું વેચાણ બંધ કરે. અમેઝોન યુકેના આ પગલાંથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. અમેઝોન યુકે દ્વારા ભગવાન ગણેશના ચિત્રવાળા બે પ્રકારના ગંજીફાના પત્તાનું વેચાણ થઇ રહ્યું છે.

અમેરિકાના નેવાડાસ્થિત રાજને કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન મોખરે છે. દરેક ઘરમાં તેમનું પૂજન થાય છે ત્યારે કસિનોમાં તેમના ચિત્રવાળા ગંજીફાના પત્તાથી જુગાર રમાય તે બાબત સાંખી લેવામાં નહીં આવે. હિન્દુ સમાજ માટે આદરણીય એવા દેવી દેવતાઓના ચિત્રો કે પ્રતિકોનો આ રીતે વ્યવસાયીક ઉપયોગ યોગ્ય નથી.

યુનિવર્સિલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રેસિડેન્ટ ઝેદે અમેઝોન યુકેના કન્ટ્રી મેનેજર ડગ ગુર્રને આ બાબતે ઉગ્ર રજુઆત કરીને માફી માંગવા કહ્યું છે અને ભગવાન ગણેશના ચિત્રવાળા ગંજીફાના પત્તા પણ પરત ખેંચવા જણાવ્યું છે. હિન્દુ ધર્મ એ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે.

ગણેશ પ્લેઇંગ કાર્ડ ડેક (મેડ ઇન યુએસએ)નું વેચાણ ૭.૬૮ પાઉન્ડ તથા એલિફન્ટ હેડ ગોડ લોર્ડ ગણેશા પ્લેઇંગ કાર્ડ્સ ડેક ૧૬ પાઉન્ડમાં વેચાઈ રહી છે. યુકેમાં અમેઝોનનું વડુમથક શોરડિટ્ચ, લંડન ખાતે આવેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter