લંડનઃ સાઉથહોલના 43 સાઉથ રોડ ખાતે આવેલા એક કેશ એન્ડ કેરી રેસ્ટોરન્ટ સિરા કેશ એન્ડ કેરીને ખાદ્યપદાર્થોની બાજુમાંથી ઉંદરની લીંડીઓ મળી આવ્યા બાદ ઇલિંગ કાઉન્સિલની ફૂડ સેફ્ટીની તપાસ બાદ 27,000 કરતાં વધુ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ હાઇજિનના ધોરણોની જાળવણીમાં આ સ્ટોર વારંવાર નિષ્ફળ રહ્યો હતો. 2009થી અત્યાર સુધીમાં આ સ્ટોરનું આઠ વાર ઇન્સ્પેક્શન કરાયું હતું. અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્ટોરમાં સ્વચ્છતાનો સદંતર અભાવ હતો. આખા સ્ટોરમાં જીવજંતુઓની ભરમાર દેખાઇ હતી. ખાદ્યપદાર્થોની બાજુમાં જ ઉંદરની લીંડીઓ પણ મળી આવી હતી. આ સ્ટોરને સ્વચ્છતા માટે વારંવાર ચેતવણીઓ અપાઇ છતાં તેના માલિકોએ પુરતા પગલાં લીધાં નહોતાં.