ગંભીર આરોગ્ય સમસ્યા સાથેના પેશન્ટ્સને ઘરઆંગણે દવા અને ખોરાક પહોંચાડાશે

Wednesday 25th March 2020 01:20 EDT
 
 

લંડનઃ બોરિસ સરકારે દેશના ૧.૫ મિલિયન અસલામત અને ગંભીર રોગોથી પીડાતા બ્રિટિશરોને ‘તમે એકલા નથી’ તેમ જણાવવા સાથે ફૂડ અને મેડિસીનના સહાય પેકેજના વિતરણની જાહેરાત કરી છે. કેન્સર, શ્વસન તેમજ દુર્લભ રોગોની આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ખોરાક અને દવાઓ માટે બહાર જવાની જરૂર રહેશે નહિ. આ લોકોને ૧૨ સપ્તાહ સુધી ઘરમાં જ રહેવાના આદેશ સાથેના પત્રો પણ મોકલાઈ રહ્યા છે. સૌથી અંતરિયાળ વિસ્તારોમાં એકાંતવાસમાં રહેતા લોકોને સ્થાનિક ઓથોરિટીઝ મદદ પહોંચાડશે જ્યારે અન્યોને મિત્રો અને પરિવારો મારફત મદદ મોકલાશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રવિવાર, ૨૧ માર્ચની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોનું રક્ષણ જિંદગી બચાવવાના અન્ય પગલાંથી વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. સૌથી અસલામત લોકજૂથમાં ગંભીર શ્વસન સમસ્યા તેમજ બ્લડ અથવા મેરો સહિતના કેન્સરથી પીડાતા લોકોનો સમાવેશ થાય છે. કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે આવા લોકજૂથોને હૈયાધારણ આપતા કહ્યું હતું કે તેઓ એકલા નથી.

કોમ્યુનિટીઝ સેક્રેટરી જેનરિકે કહ્યું હતું કે પરિવાર કે મિત્રો નહિ ધરાવતા લોકોને તેમની દવાઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ પૂરવઠો મળતો રહે તેવી ચોકસાઈ માટે સરકાર સ્થાનિક કેન્દ્રોનું નેટવર્ક ગોઠવી રહી છે. શ્રેષ્ઠ મિલિટરી વ્યૂહકારો આરોગ્ય સમસ્યાઓ સાથેના અસુરક્ષિત લોકોના ઘરઆંગણે જ દવાઓ અને ફૂડ પાર્સલ્સ પહોંચાડાય તેવી યોજનાની દેખરેખ કરી રહ્યા છે.

ઘરમાં જ રહેવું પડે તેવા જોખમ હેઠળના જૂથો ક્યા છે?

• ગંભીર અસ્થમા, ગંભીર ક્રોનિક ઓબસ્ટ્ર્ક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને  સિસ્ટિક ફાઈબ્રોસિસ જેવી શ્વસન સમસ્યા ધરાવતા દર્દીઓ • ફેફસા, બ્લડ અને બોન મેરો કેન્સર માટે કીમોથેરાપી અથવા રેડીઓથેરાપી કે સારવારના કોઈ પણ સ્ટેજ પરના કેન્સરના દર્દીઓ • આરોગ્યની ગંભીર સમસ્યા સાથેના બાળકો અને વયસ્કો • કેન્સર માટે ઈમ્યુનોથેરાપી અથવા એન્ટબોડી સારવાર કરાવતા પેશન્ટ્સ • ગત છ મહિનામાં બોન મેરો કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અને ઈમ્યુનોસપ્રેશન્ટ દવાઓ લેતા દર્દીઓ • હૃદયરોગ ધરાવતી સગર્ભા મહિલાઓ

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા જણાવાયું છે કે દુર્લભ રોગો અને મેટાબોલિઝમની જન્મજાત ખામીઓ ધરાવતા લોકો પણ ચેપ લાગવાનું ગંભીર જોખમ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter