લેસ્ટરઃ તાજેતરમાં ફરી માતા બનેલી અને લેસ્ટર રોયલ ઈન્ફર્મરીમાં સારવાર લઈ રહેલી કોરોનાથી ગંભીર રીતે પીડાતી મહિલાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ કોર્ટ ઓફ પ્રોટેક્શનના જજે તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડી લેવા ડોક્ટરોને પરવાનગી આપવી જ જોઈએ તેવો ચૂકાદો આપ્યો હતો. મહિલાના પતિ અને બહેન સહિત પરિવારના સભ્યોએ થોડો વધુ સમય આપવા જણાવ્યું હોવા છતાં જજે મહિલાની રિકવરીની કોઈ શક્યતા ન હોવાથી તેનું મશીન સ્વીચ ઓફ કરી દેવા આદેશ આપ્યો હતો.
આ પરિણીત મુસ્લિમ મહિલાની વય ત્રીસ વર્ષથી વધુ છે અને તેને ત્રણ વર્ષની પુત્રી તથા થોડા સમય અગાઉ જન્મેલો પુત્ર છે. તેણે આ પુત્રનું નામ પણ પસંદ કર્યું હતું.
લગભગ એક મહિના અગાઉ ઘરે કોરોના થયા પછી તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને તેના ગર્ભાધાનના ૩૨મા અઠવાડિયે ઈમરજન્સી સિઝેરિયન કરાયું હતું. કોવિડ -૧૯ બીમારી અને કથળેલી તબિયતને પગલે બાળકને જન્મ આપ્યા પછી તે કોમામાં જતી રહી છે.
જસ્ટિસ હેડને પરિસ્થિતિને લગભગ કહી ન શકાય તેવી દુઃખદ ગણાવી હતી. કોર્ટને જણાવાયું હતું કે તે મુસ્લિમ મહિલા છે અને મુસ્લિમો એવું માને છે કે જીંદગીનો અંત માત્ર ખુદા જ કરી શકે.
ઈન્ફર્મરીનું સંચાલન કરતા યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટના વડાઓએ લાઈફ સપોર્ટ ટ્રીટમેન્ટ બંધ કરવાનું મહિલાના હિતમાં હોવાનું જણાવતો આદેશ આપવા અનુરોધ કર્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેનું સ્વાદુપિંડ કામ કરતું બંધ થઈ ગયું હતું અને એક ફેફ્સું પણ નિષ્ક્રિય થયું હતું.

