લંડનઃ ઇચ્છામૃત્યુની દિશામાં ઐતિહાસિક પગલું લેતાં હાઉસ ઓફ કોમન્સે અસાધ્ય બીમારીથી પીડાતા લોકોને મોત વહાલું કરવાની પરવાનગી આપતા વિવાદાસ્પદ આસિસ્ટેડ ડાઇંગ ખરડાને મંજૂરી આપી દીધી છે. કોમન્સમાં ખરડા પર 4 કલાકની ચર્ચા બાદ સાંસદોએ 314 વિરુદ્ધ 291 મતથી ખરડો પસાર કરી દીધો હતો અને હવે તેને ચર્ચા માટે હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલી અપાયો છે.
કોમન્સમાં ખરડાને મંજૂરીને સંસદ બહાર એકઠાં થયેલાં આસિસ્ટેડ ડાઇંગ સમર્થકોએ વધાવી લીધી હતી. તેમની દલીલ છે કે ઇચ્છામૃત્યુને કાયદેસર બનાવવાથી અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓ ગૌરવ સાથે મોત પસંદ કરી શકશે.
જોકે આ વ્યવસ્થાના વિરોધીઓએ આરોપ મૂક્યો હતો કે, ગરીબ દર્દીઓને મોત પસંદ કરવાનું દબાણ થઇ શકે છે. તેમણે આ પ્રકારની બીમારીઓની સારવારમાં સુધારો કરવા સાંસદોને અપીલ કરી હતી.
આ ખરડાની જોગવાઇ અનુસાર અસાધ્ય બીમારીથી પીડાતા જે દર્દી 6 મહિના કરતાં ઓછો સમય જીવી શકે તેવી સંભાવના હોય ત્યારે તેને મોત પસંદ કરવાની મંજૂરી અપાશે. દર્દી જાતે જીવન ટૂંકાવતી દવા લઇ શક્શે પરંતુ તેના માટે તેણે બે ડોક્ટર અને નિષ્ણાતોની પેનલની મંજૂરી મેળવવાની રહેશે.