લંડનઃ યુકે અને ભારતના સંબંધોમાં નવા યુગના આરંભની ઉજવણી માટે ભારતીય કોર્પોરેટ જગત દ્વારા લંડનની શેરેટોન ગ્રાન્ડ ખાતે ચોથા યુકે-ઈન્ડિયા કોન્ક્લેવનું સફળ આયોજન કરાયું હતું. તેમાં ભારતના વાહનવ્યવહાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન નીતિન ગડકરી અને ઊર્જા પ્રધાન પીયુષ ગોયલે હાજરી આપી હતી. કોન્ક્લેવ પછી યુકે-ઈન્ડિયા એવોર્ડસ વિતરણ સમારંભ યોજાયો હતો. પીયુષ ગોયલે FICCI ના ડેલિગેશન સાથે ૧૦મેએ ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનાની મુલાકાત લીધી હતી.
ઈન્ડિયા ઈન્કોર્પોરેટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ મનોજ લાડવાના સંબોધન સાથે કોન્ક્લેવનો પ્રારંભ થયો હતો. આ પછી યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું,‘ આ કોન્ક્લેવ આપણને ભારત અને યુકે બન્ને દેશોની સંભવિતતાઓની સમીક્ષા કરવામાં મદદરૂપ છે. ’
એજન્ડામાં બે પેનલચર્ચા થઈ હતી. પ્રથમ ચર્ચાનો વિષય ‘યુકે-ભારતના સંબંધો માટે ‘ગ્લોબલ બ્રિટન’નો અર્થ શું થાય ?’ તે હતો, જેનું સંચાલન News18ના સંજય સૂરીએ કર્યું હતું. ચર્ચામાં બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ જિતેશ ગઢિયા અને ભારતના અગ્રણી રાજકીય કોલમિસ્ટ અશોક મલિક વગેરેએ ભાગ લીધો હતો.
બીજી પેનલચર્ચાનો વિષય ‘ભારતના વિકાસની મહત્ત્વાકાંક્ષાઓને આર્થિક સહાય’ હતો, જેનું સંચાલન UKIBCના રિચાર્ડ હિલ્ડે કર્યું હતું. તેમાં KKR Indiaના સભ્ય અને CEO સંજય નાયર, Edelweiss Groupના CEO રસેશ શાહ અને લંડન સ્ટોક એક્સચેન્જના CEO નિખિલ રાઠી સહિત કોર્પોરેટ અગ્રણીઓએ ભાગ લીધો હતો.
એવોર્ડ ફંક્શનમાં બોરિસ જહોન્સન, પ્રીતિ પટેલ, લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ ડોલર પોપટ, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી સહિત કોમ્યુનિટીના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિતરણ સમારંભનું સંચાલન બોલીવૂડ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે કર્યું હતું.
અમારા માટે લંડનનું વિશેષ આર્થિક મહત્ત્વઃ ગડકરી
ગત ૧૧થી ૧૩મે સુધીની લંડનની મુલાકાત દરમિયાન નીતિન ગડકરીએ ગુરુવારે સવારે લંડન સ્ટોક એક્સચેન્જમાં માર્કેટનું કામકાજ શરૂ કરાવ્યું હતું અને પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં NTPCમસાલા બોન્ડનું લિસ્ટીંગ કરાવ્યું હતું. તેમનો મુખ્ય હેતુ ભારતમાં નેશનલ હાઈવેના વિકાસ માટે ખાનગી મૂડીરોકાણકારોને આકર્ષવાનો હતો. ગડકરીએ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘બ્રેક્ઝિટ થાય કે ન થાય, અમારા માટે લંડન આર્થિક રીતે મહત્ત્વનું છે. આજે મેં હાઈડ્રોજનથી ચાલતી બસો જોઈ અને અમે ભારતમાં તેવી બસ દોડાવવા માગીએ છીએ. અમે શિપ ક્રૂઝ માટે પણ ભારતને હબ બનાવવા માગીએ છીએ. આ વર્ષે ૭૦ ક્રુઝ દ્વારા ભારત મુલાકાત લેવાઈ હતી. આગામી વર્ષે તેની સંખ્યા ૧૪૦ થાય તેનું આયોજન અમે કરવા માગીએ છીએ. મુંબઈ, ગોવા, કોચીન અને ચેન્નાઈ સહિતના સ્થળોએ સારા ક્રુઝ ટર્મિનલ્સનું નિર્માણ અમે કરી રહ્યા છીએ.’
દરમિયાન, ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL)ના વડા મથકે અર્બન ટ્રાન્સપોર્ટ પોલિસી પ્લાનિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ટ્રાન્સપોર્ટના સંસ્થાકીય વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહકાર માટે ભારત અને યુકે વચ્ચે MOU પર હસ્તાક્ષરો થયા હતા. અન્ય એક કાર્યક્રમમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (OFBJP) ને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનોને આશ્રય આપનારા સામે સામુહિક રીતે દંડાત્મક પગલાં લેવાનો સમય પાકી ગયો છે.
OFBJP દ્વારા નવનાત સેન્ટર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્દિ ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ઊર્જા પ્રધાન પીયુષ ગોયલે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરકારે ૧૮,૪૫૨ ગામ પૈકી ૧૪,૦૦૦ ગામોમાં વીજળી કેવી રીતે પહોંચાડાઈ તેની માહિતી આપી હતી. તેમણે મોદી સરકાર દ્વારા લેવાયેલા અન્ય પગલાંની પણ વિગતો આપી હતી.