લંડન
બ્રિટનમાં દરેક વ્યક્તિએ 18 વર્ષની ઊંમર સુધી ગણિતનો અભ્યાસ કરવો જોઇએ તેવી પોતાની માન્યતાને આગળ કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ગણિતના વિષયમાં કાચા હોવું તે સારું નથી. ગણિતનો વિષય વાંચન જેટલો જ અગત્યનો છે અને ગણિત વિરોધી માનસિકતા અર્થતંત્રને નુકસાન કરી રહી છે.
યુકેના ગણિત વિરોધી કલ્ચર પર પ્રહાર કરતાં વડાપ્રધાન સુનાકે ગણિતને વ્યક્તિગત પ્રાથમિકતા ગણાવી છે. તેમણે 16થી 18ના વયજૂથના વિદ્યાર્થીઓ માટે નવી ગાણિતિક લાયકાતોની સંભાવનાઓ ચકાસવા માટે નવા એડવાઇઝરી ગ્રુપની પણ જાહેરાત કરી હતી. આ ગ્રુપમાં ગણિતશાસ્ત્રીઓ, શિક્ષણ જગતના આગેવાનો અને બિઝનેસ રિપ્રેઝન્ટેટિવનો સમાવેશ કરાશે જે સરકારને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સફળ થવા માટે જરૂરી એવા કોર મેથ્સ કન્ટેન્ટ પર સલાહ આપશે.
જોકે વડાપ્રધાનના ટીકાકારો કહે છે કે હાલમાં શાળાઓમાં ચાલી રહેલી હડતાળોથી અન્યત્ર ધ્યાન ખેંચવા રિશી સુનાક અગાઉ આપેલા વચનોને દોહરાવી રહ્યાં છે. તેમની યોજનાના અમલ માટે શાળાઓમાં ગણિતના પુરતા શિક્ષકો જ નથી.
છેલ્લા એક દાયકામાં યુકે આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન લીગ ટેબલમાં અગ્રણી સ્થાન મેળવી શકયો છે પરંતુ 38 સભ્યોના ઓઇસીડી ગ્રુપના વિકસિત દેશોમાં યુકેનું સ્થાન ઘણું પાછળ છે. યુકેમાં 80 લાખ કરતાં વધુ પુખ્તોની ગણિતની ક્ષમતા 9 વર્ષના બાળક કરતાં પણ ઓછી છે. લગભગ 33 ટકા વિદ્યાર્થી જીસીએસઇની ગણિતની પરીક્ષા પસાર કરી શક્તા નથી. 66 ટકા વિદ્યાર્થીઓમાં મૂળભૂત ગણિતની કુશળતા જોવા મળતી નથી.


