ગણેશ કુપ્પાલાને ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનમાં સામેલ કરાયા

Tuesday 29th September 2026 10:45 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના વ્યાવસાયિક અને કોમ્યુનિટી લીડર ગણેશ કુપ્પાલાને લંડનની સૌથી જૂની નાગરિક પરંપરાઓ પૈકીની એક ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનમાં સામેલ કરાયા છે. ભારતના તેલંગાણાના નલગોંડા જિલ્લાના મિર્યાલગૂડાના વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા કુપ્પાલાને 16 સપ્ટેમ્બરના રોજ ગિલ્ડહોલ ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

કુપ્પાલાએ આ અવસરને પોતાના માટે ગૌરવરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, ભારત અને સિટી ઓફ લંડન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને કારણે આ માન્યતાનું વિશેષ મહત્ત્વ છે. ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પ્રાપ્ત કરીને હું ખૂબ જ આદર અને વિનમ્રતા અનુભવું છું. મારા માટે આ સન્માનનું વાસ્તવિક મૂલ્ય માત્ર આ પદવી પૂરતું સીમિત નથી પરંતુ તે સિટી ઓફ લંડન અને તેની સાહસ, નેતૃત્વ, સેવા, સંસ્કૃતિ તથા નાગરિક યોગદાનની અસાધારણ પરંપરા સાથેના જોડાણને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને 1956માં આ સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદથી લઈને અત્યાર સુધી અભિનેત્રી શબાના આઝમી અને આધ્યાત્મિક ગુરુ કમલેશ ડી. પટેલ (દાજી) સહિત અનેક પ્રખ્યાત ભારતીયો તથા ભારતીય મૂળની હસ્તીઓને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter