ગણેશજીની તસવીર પગરખાં પરઃ હિંદુઓમાં ફેલાયેલો રોષ

Wednesday 05th February 2020 05:28 EST
 
 

લંડનઃ પગરખાં-બૂટ પર ભગવાન ગણેશની તસવીર મૂકાતા સમગ્ર વિશ્વના હિન્દુઓમાં રોષ ફેલાયો છે. પૂજનીય દેવતાની તસવીર સાથેના બૂટને ખૂબ અયોગ્ય ગણાવીને તેને તાત્કાલિક બજારમાંથી પાછા ખેંચી લેવા અને હિંદુ સમાજની માફી માગવા હિંદુઓએ ઈર્ટન હોલમ્રૂક (નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ)ની યુટોપિક બ્રાન્ડની કંપનીને અનુરોધ કર્યો હતો.

હિંદુ રાજનેતા રાજન ઝેડે જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજી ખૂબ પૂજનીય છે અને તે મંદિરો તેમજ ઘરમાં પૂજાય છે. તેઓ કોઈના પગની શોભા વધારવા માટે નથી. કોમર્શિયલ અથવા અન્ય હેતુસર હિંદુ દેવી-દેવતાઓનો અથવા તેમના પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કરવાનું ઉચિત નથી કારણ કે તેનાથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે અમેરિકાના નેવાડામાં એક નિવેદનમાં તાત્કાલિક ધોરણે ગણેશ બૂટ્સ તેના ઓનલાઈન સ્ટોર્સમાંથી પાછા ખેંચી લેવા અને સત્તાવાર માફી માગવા યુટોપિકને જણાવ્યું હતું. ‘ગણેશ કોમ્બેટ બૂટ્સ’ અને ‘ગણેશ ફોક્સ ફર બૂટ્સ’ ઓનલાઈન સ્ટોરમાં ૮૯ ડોલરની કિંમતે વેચાતા હતા. એલેક્સ ટૂથ આ કંપનીના સહસ્થાપક અને ડિઝાઈનર છે.

ઝેડે ઉમેર્યું હતું કે આ પ્રકારે હિંદુ દેવી દેવતાનું મહત્ત્વ ઓછું થતા હિંદુઓની લાગણી દુભાય છે. હિંદુઓ કલાત્મક અભિવ્યક્તિ અને વક્તવ્યમાં અન્ય જેટલાં જ મુક્ત છે. પરંતુ, ધર્મ પવિત્ર છે અને તેનું મહત્ત્વ ઓછું કરવાના પ્રયાસોથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter