ગન લાયસન્સ મેળવવા માનસિક આરોગ્ય પરીક્ષણ ફરજિયાત થશે

Wednesday 03rd November 2021 07:28 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોએ પહેલી નવેમ્બરથી ગન લાયસન્સ મેળવવા માટે ફરજિયાત માનસિક આરોગ્ય પરીક્ષામાંથી પસાર થવું પડશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે નવા પગલાંથી સૌપ્રથમ વખત પોલીસ અધિકારીઓ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ચકાસણી કરી શકશે.

શૂટિંગના શોખીન બ્રિટિશરોએ ગન લાયસન્સ મેળવવા અથવા રીન્યુ કરાવવા માટે પહેલી નવેમ્બરથી ડોક્ટરના રિપોર્ટ આપવો પડશે જેમાં ન્યુરોલોજિકલ સ્થિતિની વિગતો સાથે પોતાના માનસિક આરોગ્યના સંવેદનશીલ મેડિકલ રેકોર્ડ્સ દર્શાવવા પડશે તેવી જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. ઓગસ્ટ મહિનામાં પ્લીમથ ખાતે થયેલા ગોળીબારમાં ત્રણ વર્ષીય બાળક સહિત પાંચ વ્યક્તિના મોતના પગલે ગન કાયદાઓ કડક બનાવાઈ રહ્યા છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘આ નવું ગાઈડન્સ પબ્લિક સેફ્ટીને પ્રાધાન્ય આપે છે. મેડિકલ, પોલિસીંગ અને શૂટિંગ સેક્ટર્સના નિષ્ણાતો સાથે પરામર્શ પછી સઘન અને અમલ કરી શકાય તેવી જોગવાઈઓ હોય તેની ખાસ કાળજી રખાઈ છે.

નવા કાયદા હેઠળ અરજદારોના સોશિયલ મીડિયા ઈતિહાસને પણ પોલીસ સૌપ્રથમ વખત ચકાસશે. શોટગન અથવા રાઈફલની માલિકી ધરાવતા લોકોએ અગાઉ ઈસ્લામિઝમ અથવા અતિ જમણેરી સહિત કટ્ટરવાદી જૂથો તરફ સહાનુભૂતિ દર્શાવી નથી તેની પણ ચકાસણી કરવાની રહેશે. ડેવોન અને કોર્નવોલ પોલીસે પ્લીમથના હત્યારા જેક ડેવિસનની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. લોકોને સબસ્ટન્સ-માદક પદાર્થોના દુરુપયોગનો ઈતિહાસ છે કે કેમ તેની પણ ચકાસણી કરાશે.

વર્તમાન કાયદા હેઠળ પબ્લિકને નુકસાન ન થાય તે રીતે ગનની માલિકી ધરાવવા માટે સક્ષમ છે તેની ચકાસણી કરવા પોલીસ પહેલી વખત ગન લાયસન્સ માગનારાઓના ઘરની મુલાકાત લે છે. ગન લાયસન્સ જારી કરાય તે પહેલા ફાયરઆર્મ માટે બે અને શોટગન માટે એક વિશ્વસનીય રેફરી આપવા પણ ફરજિયાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter