લંડનઃ સમાજ વિરોધી એવી ગમે ત્યાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતાં સુનાક સરકાર હવે વધુ આકરાં પગલાંની તૈયારી કરી રહી છે. ગમે ત્યાં કચરો ફેંકનારા લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ પર પેનલ્ટી પોઇન્ટ લગાવવામાં આવશે.
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં આવશે તો ફ્લાય ટિપિંગને ચોક્કસ પ્રકારનો અપરાધ બનાવવામાં આવશે. તેમાં અપરાધીને ડ્રાઇવિંગ લાયસન્સ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. હાલમાં આ પ્રકારના અપરાધીઓને દંડ કરવામાં આવે છે અને જો તેઓ દંડ ચૂકવવામાં નિષ્ફળ જાય તો જેલની સજા પણ થઇ શકે છે. સરકાર આ અપરાધ માટેના દંડની રકમ 1000 પાઉન્ડ કરવાની પણ યોજના ધરાવે છે.
સુનાકની યોજના અનુસાર ગમે ત્યાં કચરો ફેંકનાર અને ગ્રેફિટી ચિતરનારને સ્થળ પર જ દંડ કરાશે. જાહેર સ્થળો પર ગંદકી કરનાર અને ગમે ત્યાં ચ્યુઇંગ ગમ થૂંકનારને પણ દેડ કરવામાં આવશે.

