લંડનઃ રાજાશાહી હંમેશા પ્રજા માટે બોજારૂપ સાબિત થતી આવી છે. તેમના રાજવી ખર્ચ સામાન્ય જનતા દ્વારા ચૂકવાતા ટેક્સના નાણામાંથી જ ચૂકવતા રહે છે. તેમાંથી બ્રિટનનો રાજવી પરિવાર પણ બાકાત નથી. ગુરુવારે રોયલ એકાઉન્ટ્સમાં અપાયેલી સોવરિન ગ્રાન્ટસની વિગતો સામે આવી હતી. બ્રિટનના રાજવી પરિવાર પાછળ 105 મિલિયન પાઉન્ડનો કુલ ખર્ચ કરાયો છે જે અગાઉના વર્ષની સરખામણીમાં 15 મિલિયન પાઉન્ડ વધુ છે. તેનો અર્થ એ થયો કે દરેક બ્રિટિશ કરદાતા પર 1.29 પાઉન્ડનો બોજો પડ્યો છે.
મહારાણી એલિઝાબેથ બીજાએ આરોગ્ય નાદુરસ્ત હોવા છતાં ગયા વર્ષે 201 સત્તાવાર મુલાકાતો લીધી જે તેના અગાઉના વર્ષ કરતાં 88 મુલાકાત વધુ હતી. રાજવી વિદેશ પ્રવાસોના કારણે બ્રિટિશ કરદાતાઓ પર 4.5 મિલિયન પાઉન્ડનો બોજો પડ્યો હતો.
પ્રિન્સ ઓફ વેલ્સની કેમ્બ્રિજ ખાતેની પ્રવૃત્તિઓ, પ્રિન્સ ચાર્લ્સના અન્ય ખર્ચ અને અનામતોમાં ટ્રાન્સફરનો કુલ ખર્ચ 4.4 મિલિયન પાઉન્ડ આવ્યો. જોકે પ્રિન્સ ચાર્લ્સ હવે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના ખર્ચ ચૂકવતા નથી. પ્રિન્સ ચાર્લ્સની અંગત આવક 23 મિલિયન પાઉન્ડ છે. પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પરિવારનો બિનસત્તાવાર ખર્ચ તેમજ તેમના પર્સનલ સ્ટાફ, માળીઓ અને એસ્ટેટ વર્કર્સનો કુલ ખર્ચ 3.3 મિલિયન પાઉન્ડ રહ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સનું ટેક્સ બિલ 6 મિલિયન પાઉન્ડ રહ્યુ જ્યારે તેમની લંડન સ્થિત ઓફિસ અને કલેરેન્સ હાઉસે ગયા વર્ષે 1,07,000 પાઉન્ડનો ખર્ચ બતાવ્યો હતો.
પ્રિન્સ વિલિયમ અને કેટની વિવાદાસ્પદ કેરેબિયન ટૂરનો ખર્ચ 2,26,383 પાઉન્ડ રહ્યો હતો જે વર્ષ 2021-22નો સૌથી ખર્ચાળ સત્તાવાર રાજવી પ્રવાસ રહ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સના બાર્બાડોસ પ્રવાસ પાછળ 1,38,457 પાઉન્ડ ખર્ચાયા હતા.


