લંડન
બ્રિટનમાં ગરીબીની ગર્તામાં ધકેલાઇ ગયેલા પરિવારોના બાળકો તેમની શાળામાંથી ખોરાક અને ટીશ્યૂ પેપર્સની ચોરી કરતા થઇ ગયાં છે અને કેટલાંક બાળકો પાસે તો બસભાડાં ન હોવાના કારણે એકસાથે શાળામાં ગેરહાજર રહે છે. જાણીતા સામાજિક કાર્યકર લી ઇલિયટ મેજર જણાવે છે કે ઇંગ્લેન્ડમાં શાળામાં આવતા બાળકો ભૂખ્યાં હોય છે જ્યારે મોટા વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારોને આર્થિક મદદ મળી રહે તે માટે કામ કરતા હોવાથી શાળામાં હાજરી આપતાં નથી.
કોરોના મહામારી અને મોંઘવારીના કારણે શાળાઓ સામે ગંભીર પડકાર સર્જાયા છે. મેજરે પીએમ પદની રેસમાં ઉતરેલા ટોરી સાંસદોનને જણાવ્યું છે કે કોરોના મહામારીના કારણે બાળકોના અભ્યાસ પર થયેલી ગંભીર અસરો અંગે તેઓ શું યોજના ધરાવે છે તે જણાવે. તેમણે તમામ પાર્ટીઓના સાંસદોને જણાવ્યું હતું કે, શાળાઓ અને યુનિવર્સિટીઓ સામે રહેલા પડકારો પર ધ્યાન કેન્દ્રિત થવું જોઇએ. દેશમાં સર્જાયેલી રાજકિય અસ્થિરતાની તેના પર કોઇ અસર થવી જોઇએ નહીં. દુર્ભાગ્યની વાત એ છે કે આ મામલા પર કોઇ ગંભીર ચર્ચા થઇ રહી નથી.
મેજરે જણાવ્યું હતું કે, શિક્ષકો જોઇ રહ્યાં છે કે શાળામાં ભૂખ્યાં અને થાકેલા બાળકો આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં બાળકો ગેરહાજર રહે છે. તેઓ શાળામાંથી પાયાની જરૂરીયાતોની વસ્તુઓ ચોરી રહ્યાં છે. તેમની પાસે શાળામાં જવાનું બસભાડું પણ હોતું નથી. તે ઉપરાંત કોરોના મહામારીના કારણે થયેલા નુકસાન સામે લડવા શિક્ષકોને પુરતા નાણા અપાતા નથી. ફાળવાયેલા નાણાનો પણ યોગ્ય ઉપયોગ કરાયો નથી. હું ઇચ્છું છું કે ગરીબ બાળકો માટે શાળાઓને ફાળવાતું ભંડોળ બમણું કરવામાં આવે.


