લંડનઃ સુનાક સરકારે હાઉસ હોલ્ડ સપોર્ટ ફંડ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બર્નાર્ડો ચેરિટીએ જણાવ્યું છે કે આ ફંડ બંધ થવાથી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ પરિવારો માટે હોનારત પૂરવાર થશે. 160 કરતાં વધુ કાઉન્સિલોએ ચેતવણી આપી છે કે હાઉસહોલ્ડ સપોર્ટ ફંડ વિના હજારો ગરીબ પરિવારો ગંભીર પડકારોનો સામનો કરી રહ્યાં છે. પરંતુ સરકાર કહે છે કે કોસ્ટ ફ લિવિંગ ક્રાઇસિસ સામે મદદ કરવા અમે અન્ય લાભ આપી રહ્યાં છીએ.
છેલ્લા અઢી વર્ષમાં હાઉસહોલ્ડ સપોર્ટ ફંડ અંતર્ગત 2.5 બિલિયન પાઉન્ડની સહાય અપાઇ છે. જેમાં ફૂડ બેન્ક, વોર્મ પ્લેસ અને જરૂરીયાતમંદોને સીધી રોકડ સહાયનો સમાવેશ થાય છે. જરૂરીયાતમંદોને સહાય કરવા માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટો માટે ઇંગ્લેન્ડની કાઉન્સિલોને સરકાર દ્વારા આર્થિક સહાય કરાતી હતી.
બર્નાર્ડોસના આસિસ્ટન્ટ ડિરેક્ટર રૂથ વેલફોર્ડ કહે છે કે સમગ્ર દેશમાં ગરીબ પરિવારો આ ફંડના અભાવે મુશ્કેલીઓનો સામનો કરશે. આ સ્કીમ દ્વારા સ્થાનિક સત્તામંડળો ગરીબ પરિવારોને રોટી-કપડા-મકાનની સહાય કરતા હતા. હજુ દેશમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો અંત આવ્યો નથી. આ સ્કીમ જારી રહે તે જરૂરી છે નહીંતર હજારો બાળકો કારમી ગરીબીમાં ધકેલાઇ જશે. ઇંગ્લેન્ડની 160 કાઉન્સિલોએ જણાવ્યું છે કે આ ફંડ મહત્વની જીવાદોરી છે અને તે જારી રહેવું જોઇએ.

