લંડનઃ કાર અકસ્માતમાં ગર્ભવતી મહિલાને ઇજા અને તેના ગર્ભસ્થ પુત્રની હત્યા કરનારા આશિર શાહિદને 13 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. લેન્કેશાયરના બામ્બર બ્રિજ ગામમાં ઝિબ્રા ક્રોસિંગ ખાતે સડક પાર કરી રહેલી 31 વર્ષીય રેન્જુ જોસેફને આશિર શાહિદે ટક્કર મારી હતી. તે સમયે તે 30 માઇલ પ્રતિ કલાકના ઝોનમાં 71 માઇલ પ્રતિ કલાકની ઝડપથી કાર હંકારી રહ્યો હતો.
તે સમયે રેન્જુ જોસેફ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ડોક્ટરોએ ઇમર્જન્સી ઓપરેશન કરીને તેના ગર્ભસ્થ બાળકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સમયે જોસેફ નજીકના કેર હોમમાં નાઇટ શિફ્ટ માટે જઇ રહી હતી.


