કાર્ડિફઃ ગર્લફ્રેન્ડ ટ્રેસી ગિલ સાથે સ્ટ્રીટ કોર્નરમાં વહેલી સવારની દલીલબાજી ૩૫ વર્ષીય રસેલ પીચેના મોતમાં પરિણમી હતી. કાર્ડિફના ગ્રેન્જટાઉનમાં ગયા વર્ષની પહેલી ઓગસ્ટે ચાર વ્યક્તિ- ક્રિસ્ટોફર સ્મિથ, ડીન બિસ્લે, શમાંદરસિંહ અને જેમ્સ વિલિયમ્સે યુગલ વચ્ચે દલીલો અને એકબીજાને ધક્કા મારતા જોઈ હસ્તક્ષેપ કર્યો હતો. આ લોકો સામે રસેલને હથોડીના ઘાથી મારી નાખવાનો આરોપ છે.કાર્ડિફ ક્રાઉન કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે શમાંદર સિંહના ઘરની બહાર આ યુગલ વચ્ચે લડાઈ પછી તેઓ ટ્રેસી ગિલની મદદે ગયા હતા. તેમણે ૪૦ મિનિટ સુધી કાર અને વાનમાં રસેલ પીચેનો પીછો કર્યો હતો. આ પછી, રસેલ રોડસાઈડે લોહીનિંગળતી અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ચારે વ્યક્તિએ હત્યાનો ગુનો નકાર્યો છે અને ટ્રાયલ ચાલી રહી છે.