ગાંધીજીના જીવનમૂલ્યો આજે ખાસ પ્રાસંગિક, તેઓ દુનિયાના અનેક લોકો માટે પ્રેરણાસ્રોત

ગાંધી નિર્વાણ દિને લંડનમાં ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન અને પાર્લામેન્ટ સ્ક્વેર ગાર્ડનમાં વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન

Wednesday 02nd February 2022 05:30 EST
 
 

લંડનઃ ગાંધી નિર્વાણદિન, ૩૦મી જાન્યુઆરીએ ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન અને પાર્લામેન્ટ સ્ક્વેર ગાર્ડનમાં વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં ભારતનાં હાઈ કમિશ્નર શ્રીમતી ગાયત્રી ઇસ્સાર કુમાર, ભારતીય હાઈ કમિશનના ઉચ્ચ અધિકારીઓ, કેમડનના મેયર કાઉન્સિલર સબરિના ફ્રાંસિસ, ઈન્ડિયા લીગના પૂર્વ ચેરમેન શ્રી સી.બી. પટેલે આ અવસરે ખાસ હાજરી આપીને ગાંધીપ્રતિમા સમક્ષ પુષ્પહાર અર્પણ કર્યા હતા.

આ અવસરે ભારતના ડેપ્યુટી હાઈ કમિશ્નર શ્રી સુજિત ઘોષ, કો-ઓર્ડિનેશન મિનિસ્ટર શ્રી મનમીત સિંગ નારંગ, ફર્સ્ટ સેક્રેટરી શ્રી રોહિત વઢવાણા, ઈન્ડિયા લીગના ચેરમેન શ્રી અલ્પેશ પટેલ, ભારતીય વિદ્યા ભવનના ડો. નંદકુમાર એમ, ડિફેન્સ અને એર એડવાઇઝર એર કોમોડોર શ્રી પ્રશાંત મોહન સહિત અનેક ગણમાન્ય લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર સવારથી જ ભારતીય સમુદાય સાથે જ વિવિધ ધર્મ, સમ્પ્રદાય અને દેશોના લોકો પણ આવ્યા હતા. દર વર્ષે અચૂક હાજરી આપતા જાપાની બૌદ્ધ સાધુ ગાંધી નિર્વાણદિને પણ ખાસ હાજર થયા હતા અને વિશેષ પ્રાર્થના કરી હતી.

ભારતનાં હાઈ કમિશ્નર શ્રીમતી ગાયત્રી ઇસ્સાર કુમારે જણાવ્યું હતું કે, અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મૂલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર મહાત્મા ગાંધી દેશ અને દુનિયાના અનેક લોકો માટે પ્રેરણાસ્રોત છે. ગાંધીજીના જીવન મૂલ્યો આજે ખાસ પ્રાસંગિક છે. આ વખતે કોવિડને લીધે પ્રતીકસભાનું આયોજન કરાયું છે. ઈન્ડિયા લીગના પૂર્વ ચેરમેન શ્રી સી.બી. પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આયોજનમાં સહભાગી બન્યા છે. ભારતની બહાર પણ ગાંધીજીના આદર્શો સચવાયેલા રહે, એના માટે આ એક નાનો પ્રયાસ કરાયો છે.

અંતમાં બધાએ બે મિનટનું મૌન પાળીને મહાત્મા ગાંધીજીનું સ્મરણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter