ગાંધીજીના પ્રપૌત્ર સતીશ ધુપેલીયાનું દક્ષિણ આફ્રિકામાં કોરોનાથી નિધન

Wednesday 25th November 2020 05:54 EST
 
 

જહોનિસબર્ગઃ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતિશ ધુપેલિયાનું કોરોના સબંધીત માંદગીના કારણે તેમના ૬૬ મા જન્મદિનના ત્રણ દિવસ પછી દક્ષિણ આફ્રિકામાં નિધન થયું હોવાનું પરિવારના એક સભ્યે કહ્યું હતું. સતીશના બહેન ઉમા ધુપેલિયા-મેસથેરીએ તેમના ભાઇના નિધનના સમાચારને સમર્થન આપ્યું હતું. તેઓ કોવિડ-૧૯ માં સપડાયા હતા અને હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થતાં ૨૨ નવેમ્બરે મૃત્યુ પામ્યા  હતા. તેમને ન્યુમોનિયાની સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા.
ઉમાએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જણાવ્યું હતું,‘ ન્યુમોનિયાની એક મહિનાની બીમારી પછી મારા વ્હાલા ભાઇ સતીશનું અવસાન થયું હતું. સારવાર દરમિયાન જ તેઓ કોવિડ-૧૯ સંક્રમિત થયા હતા. સાંજે તેમને જીવલેણ હૃદયનો હુમલો આવ્યો હતો' . ઉમા ઉપરાંત સતીશ ધુપેલિયાના બીજા બહેન પણ દક્ષિણ આફ્રિકામાં જ રહે છે. તેમનું નામ કિર્તી મેનન છે. તેઓ જહોનિસબર્ગમાં રહે છે.
બે બહેનો અને એક ભાઇ (મૃતક) મહાત્મા ગાંધીના પૌત્ર મણીલાલ ગાંધીના સંતાન છે. પૂ. ગાંધીજી એ દક્ષિણ આફ્રિકામાં ૨૦ વર્ષ સુધી કામ કર્યું હતું અને તે પછી ભારતમાં સામાજીક સેવા કરવા ગયા હતા. તેઓ મણીલાલને દક્ષિણ આફ્રિકામાં કામ કરવા માટે છોડી ગયા હતા. મોટા ભાગનો સમય મીડિયામાં વીતાવનારા ઉમા ધુપેલિયા - મેસથેરી વીડિયોગ્રાફર છે. તેઓ ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટની રચનામાં ખૂબ સક્રિય હતા.
સતીશ ધુપેલિયાનો કાર્ડિફ સાથેનો સંબંધ
સતીશ ધુપેલિયા મહાત્મા ગાંધીના સત્ય, એકતા, અહિંસા, સાદગી અને ભાઈચારાનો સંદેશ ફેલાવવા અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવા માટે કાર્ડિફ આવ્યા હતા. તેમણે કાર્ડિફના આપણા સમુદાયના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. તેઓ ઘણી વખત કહેતા કે કાર્ડિફ કોમ્યુનિટી તેમનો બૃહદ પરિવાર છે. કાર્ડિફ તરફથી મળેલા સ્નેહથી તેઓ અત્યંત ભાવવિભોર બન્યા હતા. તેમના નિધનથી કાર્ડિફ અને વેલ્સની કોમ્યુનિટીને ભારે ખોટ પડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter