ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ યુકેમાં સિક્કો જારી કરાશે

Wednesday 16th October 2019 06:22 EDT
 

લંડનઃ બ્રિટિશ સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે સ્મારકસિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. લંડનમાં ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદ યોજાઈ હતી અને કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ તેમાં હાજરી આપી હતી. તેની યાદમાં સરકાર આ સિક્કો જારી કરશે. જોકે, તેની ડિઝાઈન અથવા ચલણના મૂલ્ય વિશે હજુ કશું જાહેર કરાયું નથી.

પાકિસ્તાની મૂળના ચાન્સેલર સાજિદ જાવિદે શાહી ટંકશાળ સમક્ષ ગાંધી જયંતી નિમિત્તે સિક્કો બહાર પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે ગાંધીએ સમગ્ર વિશ્વને જે શિક્ષા આપી તે કદી ન ભૂલવી જોઈએ તેમ કહ્યું હતું. જાવિદે કહ્યું હતું કે ગાંધીજીએ દર્શાવ્યું છે કે સાચી તાકાત કદી નાણા કે મોટા પદથી મળતી નથી. આપણે તેમના જીવન મૂલ્યોને યાદ રાખવા જોઈએ. દર વર્ષે ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબરને યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter