લંડનઃ સડક પર ગાબડાંના કારણે પોતાની કારને નુકસાન થયું હોવાના ખોટા દાવા કરનાર એક સોલિસિટરને સસ્પેન્ડેડ કેદની સજા ફટકારાઇ છે. સોલિસિટર એલીખાન નૌરાનીને કરાયેલી તપાસની જાણ સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટીને પણ કરાઇ છે.
નૌરાનીએ નવેમ્બર 2019 અને એપ્રિલ 2021માં સડક પરના ગાબડાંને લીધે કારને નુકસાન થયું હોવાનો દાવો સ્ટોક ઓન ટ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ કર્યો હતો. કાઉન્સિલની કોર્પોરેટ ફ્રોડ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં તેમના દાવા ખોટા જણાયા હતા.
આ માટે હેન્લી ક્રાઉન કોર્ટ દ્વારા નૌરાનીને ફેબ્રુઆરીમાં ફ્રોડના આરોપસર દોષી ઠેરવાયા હતા. ગયા સપ્તાહમાં કોર્ટે નૌરાનીને બે વર્ષ માટે સસ્પેન્ડેડ એવી 8 માસનીકેદ, 300 કલાકના અનપેઇડ વર્ક, સાંજના 7થી સવારના 7 સુધી 6 મહિનાના કરફ્યુ અને 30,000 પાઉન્ડ કોસ્ટ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ફ્રોડ ઇનવોઇસ માટે 874 પાઉન્ડની પેનલ્ટી પણ લગાવી હતી.