લંડનઃ ભારતીય મૂળના એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટને ગંભીર વ્યાવસાયિક અશિસ્ત માટે દોષી ઠર્યા બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. ઇગલસ્ટોનમાં પ્રથમવાર માતા બની રહેલી એક મહિલાને પ્રસુતિ દરમિયાન ફોરસેપ્સના ઉપયોગ માટે સહમતિ આપવા ધમકી આપવાનો આરોપ તેમના પર મૂકાયો હતો. મહિલા સી-સેક્શન દ્વારા બાળકને જન્મ આપવા માગતી હતી પરંતુ ડોક્ટરે તેના પર ફોરસેપ્સનો ઉપયોગ કરવા દબાણ કર્યું હતું.
સાઉથ લંડનના 62 વર્ષીય ડો. પ્રમિલા થમ્પીને એમ લાગ્યું કે મહિલાની કુદરતી પ્રસુતિ થઇ શકે તેમ નથી ત્યારે તેમણે આ પ્રકારનું જિદ્દી વલણ અપનાવ્યું હતું. આ ઘટના ઓક્ટોબર 2016માં મિલ્ટન કિનેસ યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે ઘટી હતી. દર્દી સિઝેરિયનની માગ કરી રહી હતી ત્યારે ડોક્ટર થમ્પી તેના પર ફોરસેપ્સ માટે દબાણ કરી રહ્યાં હતાં.
માન્ચેસ્ટરમાં મેડિકલ પ્રેકટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ દ્વારા ડો. થમ્પીને ગંભીર વ્યાવસાયિક અશિસ્ત માટે દોષી ઠએરવાયા હતા અને તેમને 3 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો હતો.