લંડનઃ કચરો ઉપાડવા માટે હવે લાખો લોકોને વધુ નાણા ચૂકવવા પડશે. કચરો ઉપાડવાની ફીમાં કરાયેલા વધારાના કારણે જનતામાં ઘણો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં દર 15 દિવસે બ્રાઉન લીડ બિન્સના કચરાને ઉપાડવા માટે વાર્ષિક 40 પાઉન્ડ ચૂકવવા પડશે. આગામી મહિનાથી સ્ટોક, ટ્રેન્ટ, કોવેન્ટ્રી, નોર્થ નોર્ધમ્પટનશાયર, રેનફ્રુશાયર, ચેસ્ટરફિલ્ડ, નુનિયાટોન અને બેડવર્થના રહેવાસીઓએ વાર્ષિક 40 પાઉન્ડની ફી ચૂકવવી પડશે. ચેશાયર સહિતના કેટલાક વિસ્તારોના લોકોને 56 પાઉન્ડ અને ન્યૂફોરેસ્ટમાં 65 પાઉન્ડ ચૂકવવા પડશે. સૌથી વધુ 70 પાઉન્ડ બાર્નેટના રહેવાસીઓએ ચૂકવવા પડશે.
બાર્નેટ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ગાર્ડન વેસ્ટ કલેક્શન સર્વિસ માટે લોકો સાથે વાત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, આ સેવા તેમના માટે કેટલી મહત્વની છે. અમે આ સેવા જારી રાખવા માગીએ છીએ કારણ કે બાર્નેટમાં ગાર્ડન સાથેની પ્રોપર્ટીની સંખ્યા મોટી છે. ગાર્ડન વેસ્ટ કલેક્શન માટે ફી જરૂરી છે. અમે અમારી પાડોશી કાઉન્સિલોની ફીને ધ્યાનમાં રાખીને વાર્ષિક 70 પાઉન્ડની ફી નક્કી કરી છે. આ ફીમાંથી થનારી આવક અમે અન્ય પર્યાવરણલક્ષી કામોમાં વાપરી શકીશું.
કાઉન્સિલર ડેન થોમસે જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટ કલેક્શન માટે ફી લેવાનો નિર્ણય ગંભીરતાથી લેવાયો છે. અમારે જવાબદારીપુર્વક રિસોર્સનો ઉપયોગ કરવાની જરૂર છે. આ નિર્ણય ન કેવળ નાણાની બચત કરશે પરંતુ બાર્નેટની સડકોને સ્વચ્છ અને સારી સ્થિતિમાં રાખવામાં મદદ કરશે.